Thu Jun 18 2026

Logo

અમદાવાદ પ્લેન ક્રેશનોઇન્કવાયરી રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે; સરકારે આપ્યો સંકેત

2026-03-30 09:02:00
Author: Devayat Khatana
Article Image

ભાવનગર/રાજકોટ: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુ ગઇકાલે  ગુજરાત મુલાકાત પર હતા. આ મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં થયેલા અમદાવાદ પ્લેન ક્રેશનો ઈન્કવાયરી રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભાવનગર એરપોર્ટ પર નવી ફ્લાઈટ્સને લીલી ઝંડી બતાવતા તેમણે ખાતરી આપી હતી કે આ અકસ્માત પાછળના કારણો જલ્દી સ્પષ્ટ થશે. આ સાથે જ તેમણે રાજકોટ એરપોર્ટ પર 'ઉડાન યાત્રી કેફે'નું ઉદ્ઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજકોટને ટૂંક સમયમાં એર કાર્ગો ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે.

દેશના ઉડ્ડયન ક્ષેત્રના પડકારો વિશે વાત કરતા કેન્દ્રીય પ્રધાને સ્વીકાર્યું હતું કે નવા વિમાનોની ખરીદીમાં હાલ મોટી મુશ્કેલીઓ આવી રહી છે. કોવિડ-19 મહામારી પછી વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલા અવરોધોને કારણે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની ગતિ ધીમી પડી છે. હાલમાં ભારતીય એરલાઇન્સ દ્વારા અંદાજે 1,700 નવા વિમાનોના ઓર્ડર આપવામાં આવેલા છે, પરંતુ સપ્લાયની મર્યાદાને કારણે આ તમામ ડિલિવરી પૂર્ણ થતા 15 વર્ષ જેટલો સમય લાગી શકે છે. વધતી જતી માંગને પહોંચી વળવા માટે આગામી વર્ષોમાં દેશમાં આશરે 30,000 નવા પાયલોટ્સની જરૂરિયાત ઊભી થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.


વિમાનોની અછતને દૂર કરવા માટે સરકાર હવે 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. પ્રધાન નાયડુએ માહિતી આપી હતી કે ભારત સરકારે વિદેશી કંપની એમ્બ્રેયર સાથે ભારતમાં વિમાન બનાવવા માટે જોડાણ કર્યું છે. આ ઉપરાંત, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ  સાથે મળીને સુખોઈ સુપરજેટ 100નું દેશમાં જ ઉત્પાદન કરવા માટે જોઈન્ટ વેન્ચર શરૂ કરવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ સાથે ભાગીદારી કરીને ભારતને એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે.

છેલ્લા એક દાયકાની પ્રગતિ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે 2014 પછી દેશમાં એરપોર્ટ, વિમાન અને મુસાફરોની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલમાં જ  નોઈડા ખાતે દેશના 165માં એરપોર્ટનું ઉદ્ઘાટન થયું છે. સરકાર આગામી 5 વર્ષમાં વધુ 50 એરપોર્ટ વિકસાવવાનું અને વર્ષ 2047 સુધીમાં દેશમાં 350થી વધુ એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ભાવનગર એરપોર્ટના વિસ્તરણ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે જો રાજ્ય સરકાર જમીન ઉપલબ્ધ કરાવશે, તો કેન્દ્ર સરકાર મોટા વિમાનો ઉતારી શકાય તે માટે એરપોર્ટનું વિસ્તરણ ચોક્કસપણે કરશે.