નવી દિલ્હીઃ અમેરિકાના 'ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ' (FARA) હેઠળ તાજેતરમાં જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાંથી એક મોટો ખુલાસો થયો છે. આ દસ્તાવેજો અનુસાર, ગયા વર્ષે મે 2025માં ભારતના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન, પાકિસ્તાને વોશિંગ્ટનમાં અમેરિકી રાજકારણીઓ, સંરક્ષણ અધિકારીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા પક્ષકારો સાથે મોટા પાયે સંપર્ક સાધ્યો હતો
પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે, 'ઓપરેશન સિંદૂર' પછી ભારતે યુદ્ધવિરામ માટે અમેરિકા પાસે મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી. જોકે, સામે આવેલા આ નવા રાજદ્વારી દસ્તાવેજો પાકિસ્તાની સેના પ્રમુખના દાવાઓથી તદ્દન વિપરીત કહાની જણાવી રહ્યા છે.
વોશિંગ્ટનમાં પાકિસ્તાનની કૂટનીતિક ભાગદોડ
એક રિપોર્ટ અનુસાર 6 મે થી 9 મે 2025 ની વચ્ચે, જ્યારે ભારતનું 'ઓપરેશન સિંદૂર' તેના ચરમસીમા પર હતું, ત્યારે પાકિસ્તાને વોશિંગ્ટનમાં લગભગ 60 વખત સંપર્ક સ્થાપિત કર્યો હતો. આ સંપર્કોમાં અમેરિકી સાંસદો, કોંગ્રેસના કર્મચારીઓ, ટ્રેઝરી વિભાગના અધિકારીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સામેલ હતા.
દસ્તાવેજો દર્શાવે છે કે 7 અને 8 મેના રોજ પાકિસ્તાની રાજદૂત સાથેની બેઠકોની વિનંતીઓ મુખ્યત્વે પ્રાદેશિક તણાવના સંદર્ભમાં કરવામાં આવી હતી. બીજી તરફ, 9 મેના રોજ પ્રવૃત્તિઓ વધુ તેજ બની હતી, જેમાં પાકિસ્તાની સંરક્ષણ અતાશે (Defence Attache) બ્રિગેડિયર ઈરફાન અલી તરફથી ઘણી બેઠકો યોજવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાને જે લોકોનો સંપર્ક કર્યો હતો, તેમાં અમેરિકી સૈન્ય અનુભવી બ્રાયન માસ્ટની સાથે-સાથે હાઉસ માઈનોરિટી લીડર હકીમ જેફરીઝ, સેનેટ મેજોરિટી લીડર જોન થ્યૂન અને હાઉસ મેજોરિટી લીડર સ્ટીવ સ્કેલિસની ઓફિસો સાથે જોડાયેલા કર્મચારીઓ અને સલાહકારોનો સમાવેશ થાય છે.
અસીમ મુનીરના દાવાની સચ્ચાઇ
રાવલપિંડીમાં 'મરકા-એ-હક'ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે જનરલ અસીમ મુનીરે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકી નેતૃત્વ દ્વારા મધ્યસ્થી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુનીરનું કહેવું હતું કે પાકિસ્તાને વ્યાપક પ્રાદેશિક શાંતિના હિતમાં આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. જોકે, જમીની હકીકત અને રાજદ્વારી દસ્તાવેજો કંઈક અલગ જ સંકેત આપે છે
ભારતનું હંમેશા એવું કહેવું હતું કે આ યુદ્ધવિરામ બંને દેશોના DGMO વચ્ચે હોટલાઈન પર થયેલી વાતચીતનું પરિણામ હતું, જેની શરૂઆત પાકિસ્તાન તરફથી કરવામાં આવી હતી.
ભારત સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયામાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહોતી. આ ઉપરાંત, FARA ના રેકોર્ડ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે યુદ્ધવિરામ પહેલાં વોશિંગ્ટનમાં સક્રિયપણે લોબિંગ (પેરવી) કરનાર અને મદદ માંગનાર પક્ષ ખરેખર પાકિસ્તાન જ હતો.