Sun May 03 2026

Logo

એશિયા કપ તિરંદાજી: ભારતીય ટીમે બે બ્રોન્ઝ જીત્યા, ફાઇનલમાં પ્રવેશ

bangkok   2026-03-25 19:57:41
Author: Mumbai Samachar Team
Article Image

World Archery


બેંગકોકઃ ભારતીય તિરંદાજોએ આજે એશિયા કપ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટના પ્રથમ તબક્કાના બીજા દિવસે બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા જ્યારે પુરુષોની રિકર્વ અને મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટ્સની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો.
 
ભારતે વ્યક્તિગત ઇવેન્ટમાં ત્રણ મેડલ મેળવ્યા હતા, પરંતુ પુરુષોની રિકર્વ માટે આ નિરાશાજનક અભિયાન હતું, જ્યાં ચાર તિરંદાજો મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા. મહિલા કમ્પાઉન્ડ ટીમે ગયા વખતે બ્રોન્ઝ જીત્યો હતો, પરંતુ આ વખતે ફાઇનલમાં પહોંચીને તેમના મેડલની સંખ્યામાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.

ચિકિથા તાનીપર્થી, રાજ કૌર અને તેજલ સાલ્વેની ત્રિપુટીએ સ્થાનિક હરીફો કાન્યાવી મણિસોમ્બાકુલ, કનોકનાપુસ કૈચોમ્ફુ અને ચાનિદપ્પા તાનારત્નાનને 229-226 થી હરાવ્યા હતા. હવે તેઓ ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત કઝાકિસ્તાનનો સામનો કરશે. 

પુરુષોની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવવા છતાં ભારતીય તિરંદાજો પોતાનું ટાઈટલ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા અને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. રજત ચૌહાણ, ઋષભ યાદવ અને ઉદય કંબોજ સેમિફાઇનલમાં વિયેતનામ સામે 233-234થી હારી ગયા હતા. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય ટીમે ભૂટાનને 234-232થી હરાવ્યું હતું. 

રિકર્વ ઇવેન્ટમાં ભારતીય પુરુષ ટીમે મલેશિયાને 5-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતના દેવાંગ ગુપ્તા, સુખચૈન સિંહ અને જુએલ સરકારે સેટ ગુમાવ્યા વિના જીત મેળવી હતી. હવે તેઓ કઝાકિસ્તાનનો સામનો કરશે. મહિલા રિકર્વ ત્રિપુટી રૂમા બિશ્વાસ, કીર્તિ અને રિદ્ધિ ફોરેએ મલેશિયાને 5-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો