અરવિંદ વેકરિયા
આમ ‘વિકટિમ’ ઈંગ્લિશ નાટકનાં અધ્યાયનો અંતે અંત આવી ગયો. આનો જશ કાંતિ મડિયાને જાય છે. માણસ ચાર વેદોનો અર્થ ભલે ન સમજે , પરંતુ સમજદારી- જવાબદારી- વફાદારી ને ઈમાનદારી જેવા આ ચાર શબ્દનો મર્મ મડિયા બરાબર જાણતા હતા. એમણે તટસ્થ રહી નિર્ણય જાહેર કરી દીધો. દિન્યારને સહેજ કઠયું તો હશે, પણ એ બાવાએ ખેલદિલી બતાવીને ચા-વાળાને કહી દીધું :
‘આ સ્ક્રિપ્ટનાં ઢગલાં પર ચા મૂક, હવે આ નાટક નથી થવાનું...!’
આ રીતે મહેન્દ્ર બોહરાનાં નાટક શિકાર માટે મને ગ્રીનસિગ્નલ મળી ગયું. મારાં માટે મડિયા રોકાયા અને એક વકીલની જેમ નિર્ણય જાહેર કર્યો. ખરેખર, રોકાતા આવડવું જોઈએ, ચાલવા તો બધા તૈયાર હોય છે. મડિયાએ બંને પક્ષને વ્યવસ્થિત સાંભળ્યા અને તટસ્થ ચુકાદો આપ્યો. પહેલા થોડું દુ:ખ પણ પછી દીનશુંએ પણ હસતા-હસતા ચુકાદો માથે ચડાવ્યો. પ્રવીણ સોલંકીએ પોતાની મહેનતનું જરા પણ દુ:ખ ન દેખાડીને મડિયા પ્રત્યેનો અહોભાવ દેખાડી દીધો.
સમય જતાં શિકાર રજૂ થઈ ગયું. શરૂઆતનાં શો ખરેખર ખૂબ સારા ગયાં, પણ થ્રીલર ત્યારે બહુ ઓછા થતાં. મોટી સંસ્થાઓ અને માતબર નિર્માતાઓ એમાં ક્યારેક હાથ નાખતા. વધુ પડતા કોમેડી અને સામાજિક નાટકોનો દોર ચાલતો. એ વખતની કોમેડી એટલે આજની જેમ પરાણે જોક્સનાં પગથિયાં ચડી હસાવવાના પ્રયત્નોની નહોતી. સારી ભાષામાં સેન્સીબલ કોમેડી બનતી અને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ પણ મેળવતી. આજે ચલણ બદલાયું છે એ કદાચ આજનાં સમયની માગ હશે અથવા સારા લેખકોની અછત પણ કારણ હોઈ શકે.
બાજુમાં રહેતો પાડોશી આવીને ‘રીલીફ’નાં નામે ડીંડક ચલાવે અને નહીં તો ઘર-નોકર ફોન ઉપર હસાવવાના નામે ‘કઈ પણ’ ચલાવ્યા કરે. ખાસ તો સીન પછી અન્ય કલાકારોને કોસ્ચ્યુમ બદલવાનો સમય આપવા માટે ઘર-નોકરનો ફોન હાથ વગો રહે. જો કે હમણાં એ પણ ઓછું તો થયું છે, પણ ટળ્યું નથી. સારાં સારાં નાટકો પણ હિંમતભેર રજૂ કરનારાં નિર્માતા પણ છે. પ્રેક્ષકોને સારા નાટકની ઉમેદ સદા રહેતી હોય છે. સાચું કહું, ઉમેદ બહુ કષ્ટ આપે છતાં પણ ઉમેદ તો રહે છે.
શિકારનાં પબ્લિક-શો સારા જતાં હતાં , પણ સંસ્થાઓનો પ્રતિસાદ મોળો હતો. સામાજિક નાટકો લેવા સંસ્થાઓ તત્પર રહેતી પણ થ્રિલર લેવાં માટે જરા ખંચકાતી. એમણે એમનાં મેમ્બર્સને રાજી રાખવા હોય. નવા વિષયનું નાટક લે અને પાછળથી માથે છાણાં થપાય તો?
અમુક નિર્માતા જાણે ક્વોટા પૂરા કરવા માટે નાટક કરતાં હોય છે. લગભગ ત્રણ મહિનામાં ઘણી સંસ્થાઓ કવર થઈ જાય પછી નવા નાટક માટે પોતાની પાર્ટી હાથમાંથી જાય નહિ એટલે બીજું નવું નાટક મૂકી દેવાનું. શું સાચું અને શું સારું છે એના કરતાં શું સગવડિયું છે એ કરી લેવાનું. મનનું માનવાને બદલે ઉતાવળે આંબા પકાવવા નીકળી પડે છે. બાકી સંસારની સૌથી મોટી અદાલત આપણા મનમાં હોય છે. મનને બધી ખબર હોય છે કે શું સાચું છે અને શું ખોટું છે !
શિકાર હવે પ્રેક્ષકોનો શિકાર બનતો જતો હતો. શોમાં ક્યારેક ભારે નુકસાન તો ક્યારેક માંડ સરભર. નિર્માતા ફિલ્મી હતાં, એટલે પૈસા માટે શોધવાં અઘરા પડી જતાં. જા.ખ.ના પૈસા અટકે તો થોડું ખેંચી શકાય, પણ થિયેટરના ભાડાં તો સમયસર ચૂકવવા પડે.
મુળરાજ રાજડાએ પણ આ બાબત મહેન્દ્ર સાથે બે-ત્રણ વાર વાત કરી જોઈ એમણે પોતે અધૂરું છોડેલું નાટક પૂરું કરી આપવાની વાત તો કરી પણ ફિલ્મવ્યસ્તતામાંથી બહાર આવે કે તરત એમનું ફિલ્મી-ગાજર લટકેલું જ હતું. એમણે ‘શિકાર’ જોયું પણ ઉમેરેલાં પાત્રો એમને ગમ્યાં નહિ. એમને એ પાત્રો પરાણે ઘુસાવ્યા હોય એવું લાગ્યું. મેં એમને કહ્યું કે ‘ મારી ઇચ્છા છે કે તમારા નાટકથી હું મારા પોતાનાં બેનરથી નિર્માતા તરીકે શરૂ કરું અને સંસ્થાનું નામ રાખીશ, ‘વેકરિયા પ્રોડક્શન’. મને કહે ‘એ નાટક તમારું જ રહેશે બસ, મને જરા ફ્રી થવા દો એટલે શાંત મગજે સરસ લખી શકું.’ મેં મારી મનની ઇચ્છા એમને જણાવી તો લેખક બોલ્યા, ‘દાદુ, એકને વળાવો ત્યાં બીજી દરવાજે ઊભી હોય. આ ઇચ્છાઓ અપલખણી હોય છે. પણ હું તમારા બેનર સાથે મારું નાટક રિલીઝ કરવાની ઇચ્છા જરૂર પૂરી કરીશ, માત્ર થોડો સમય રાહ જુવો.’ મારી પાસે જવાબ નહોતો અને રાહ જોવા સિવાય કોઈ આરો પણ ક્યાં હતો?
રાજેન્દ્રએ પણ બે પાત્ર વિશે મુળુભા સાથે વાત કરી. પણ ડિપ્લોમેટીક રીતે એમને પસંદ નથી આવ્યું એ સમજાવી દીધું. બાકી મેં અને રાજેન્દ્રએ આના વિશે વિગતે વાત-ચર્ચા કરી પછી આ પગલું લીધેલું. હા, રાજેન્દ્ર પરમ મિત્ર તો હતો , પણ થોડો આખાબોલો અને થોડા અહમવાળો પણ ખરો. મેં નોંધ્યું છે કે જે કામમાં કાબેલિયત આવે એની સાથે થોડો અહમ પણ ઉમેરાતો હોય છે. આમાંથી અમુક જ બાકાત રહી શકે. મુળુભા મને અહમ વગરના લાગ્યા છે. બે ઉમેરેલાં પાત્રો એમને ન ગમ્યાં એમાં એમનો અહમ નહિ વર્ષોનો અનુભવ હતો.
હવે શિકારને તાળા લગાવવાનો વિચાર હું કરવા લાગ્યો. અમુક શો સરભર થઈ જતા તો અમુકમાં સારો ફાયદો પણ થતો. નિર્માતા શરૂઆતમાં પૈસા આપી ‘હવે તમે જાણો’ જેવી વર્તણુક રહેતી હતી. આનો ભરોસો કેમ કરાય? મારી સમજવામાં ભૂલ તો થઈ ગઈ હતી અને એટલે જ શિકાર બંધ કરવાના વિચારો મગજ પર સવાર થઈ જતા. જિંદગીમાં જેમ જેમ શીખતો જાવ છું તેમ તેમ મને ખબર પડતી જાય છે કે હું અભણ છું.
ત્યાં એક રાત્રે જાણીતા અને નિયમિત નાટકો રજૂ કરતાં નામી નિર્માતાનો ફોન આવ્યો અને હું ખુશ થયો, પણ એણે એવી વાત કરી કે...
સિક્યુરિટી ગાર્ડનો ઇન્ટરવ્યૂ હતો...
પ્રશ્ન: અંગ્રેજી આવડે છે?
જવાબ: ચોર વિદેશથી આવવાના છે.?