Sat May 02 2026

Logo

હોટેલ-રેસ્ટોરાનું ફૂડ હવે દરેકને નહીં પોસાય, ગુજરાતી થાળીના ભાવમાં સીધો 15 ટકાનો વધારો

2026-05-02 18:28:23
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશભરની હોટેલ તથા રેસ્ટોરાંમાં ફૂડ હવે મોંઘું થવાનું છે. અમુક હોટેલ તથા રેસ્ટોરાએ તો મેનુ બદલીને ભાવ વધારો લાગુ પણ કરી દીધો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં રેસ્ટોરા ફૂડની કિંમતમાં વધારો થયો છે. કમર્શિયલ સિલિન્ડરની કટોકટીના કારણે અગાઉથી જ દબાણમાં રહેલી હોટેલ તથા રેસ્ટોરા ફૂડ ઈન્ડસ્ટ્રીની સ્થિત વધારે કફોડી બની છે. આની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર થઈ રહી છે.ચા-નાસ્તાથી લઈને ડીનર સુધી અને સ્નેક્સથી લઈને ભોજનની થાળી સુધી ફૂડ ડીશ મોંઘી થઈ રહી છે. 

દરેક ફૂડમાં 10થી 15 ટકાનો વધારો
માત્ર મેઈન કોર્સ ફૂડ જ નહીં ફરસાણ તેમજ મીઠાઈના ભાવ વધવાના પણ એંધાણ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હોટેલ તથા રેસ્ટોરા ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ક્મર્શિયલ સિલિન્ડરના ભાવથી સીધો 10થી 15 ટકાનો વધારો ઝીંકાઈ શકે છે. નાનામાં નાની ડીશ પણ મોંઘી થઈ શકે છે. હોટેલ તથા રેસ્ટોરા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ આ ભાવ વધારો ગેસ પરથી પરત ખેંચવામાં આવે અને સરકાર તરફથી રાહત આપવામાં આવે એવી માગ કરી છે. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરા એસો. ઓફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ પ્રદીપ શેટ્ટીએ કહ્યું હતું કે, ગેસના બાટલાના ભાવમાં વધારો થતા હાલમાં જે ડીશ ગ્રાહકોને આપવામાં આવી રહી છે એમાં 10થી 15 ટકાનો ભાવ વધારો લાગુ પડશે એ નક્કી છે. 

અમદાવાદમાં ગુજરાતી થાળી મોંઘી
19 કિલો કમર્શિયલ સિલિન્ડરના ભાવ ત્રણવાર વધતા બાટલો 1332 રૂપિયામાં પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હોટેલ કે રેસ્ટોરન્ટમાં મેનેજ કરવું મુશ્કેલ છે.આની સામે કોસ્ટ રેવન્યૂ ઓછી હોવાના કારણે પડકારનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ફૂડના નાના વેપારીઓની કમર ભાંગી છે.વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ 1500 રૂપિયાનો ભાવ વધારો થયો છે. છેલ્લે 996 રૂપિયા વધ્યા હતા. આ ભાવ વધારાથી હાઈવે પરના ઢાબા, નાના રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાય પર માઠી અસર થઈ છે. સપ્લાય મર્યાદિત છે અને પાર્સલ ફૂડના ભાવ પણ વધારવા જ પડે એવી સ્થિતિ છે. અમદાવાદમાં રહેતા અને કૉલેજમાં કેન્ટિન ધરાવતા વેપારીએ કહ્યું હતું કે, હાલમાં દરેક ફૂડ આઈટમ પર 10થી 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે. મેનુમાં ભાવ બદલાયા છે. માત્ર ગેસ જ નહીં બેકરી પ્રોડ્કટમાં પણ ભાવ વધારો છે. પ્રોસેસ ફૂડ સાથે ગુજરાતી થાળી હવે મોંઘી બની છે.

માર્જિન પર આની સીધી અસર 
શેટ્ટીના જણાવ્યા અનુસાર ઘણી હોટેલ અને રેસ્ટોરાએ વાનગીઓ મર્યાદિત કરી દીધી છે. ઘણી રેસ્ટોરામાં તો જે હાજર હશે એ મળશે એવા બોર્ડ લાગેલા છે. માત્ર ગેસ જ નહીં ફ્યૂલ ચાર્જમાં વધારો થશે તો હવે માર્જિન પર આની સીધી અસર થશે. સંચાલન ખોરાવાઈ શકે છે. ઘણી જાણીતી રેસ્ટોરાં તો બંધ થઈ ચૂકી છે. આનાથી રોજગાર પર અસર થશે અને નફો પણ ઘટશે. આવામાં સરકારે સીધી રીતે હસ્તક્ષેપ કરવાની જરૂર છે. અન્યથા આવનારા દિવસોમાં આના માઠા પરિણામ હોટેલ અને ફૂડ ઈન્ડસ્ટ્રીએ ભોગવવા પડી શકે છે. ડીસેમ્બર 2025 થી કમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારો શરૂ થયો જે સતત બીજા વર્ષે પણ યથાવત છે. દિલ્હી જેવા શહેરમાં સિલિન્ડરની કિંમત 94 ટકા વધી ગઈ છે. નાના ભોજનાલય અને રસ્તાના કિનારે ઊભા રહેતા નાના સ્નેક્સના વેપારીઓને પણ અસર થઈ રહી છે. ખાસ કરીને પીજી તથા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલ્સને પણ જમવા પાછળનો ખર્ચો વધારવો પડે એવી સ્થિતિ છે.