Wed Sep 02 2026

Logo

હીરા ઉદ્યોગમાં AIની એન્ટ્રી, રફથી પોલિશ્ડ સુધીની સફર હવે થશે સુપરફાસ્ટ

2026-05-02 14:50:00
Author: Mayur Patel
હીરા ઉદ્યોગમાં AIની એન્ટ્રી, રફથી પોલિશ્ડ સુધીની સફર હવે થશે સુપરફાસ્ટ

સુરતઃ શહેરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આજે અંતિમ દિવસ છે.  વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી” વિષયક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો, જેમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પરિચય કાર્ડ પ્લેટફોર્મ

નિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન વિશે વાત કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત દ્વારા રાજ્યના એક્સપોર્ટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે 2025-26 માટે “પરિચય કાર્ડ પ્લેટફોર્મ” તૈયાર કરવામાં આવ્યું છે. 

એઆઈ સર્ટિફિકેશન પ્રક્રિયા વિશે વાત કરતા  સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ડાયમંડ મેકિંગ પ્રોસેસ પછી સર્ટિફિકેશન માટે 20 થી 25 દિવસનો સમય લાગતો હતો. પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આ પ્રક્રિયા ઝડપી બની છે. મોબાઈલ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તાત્કાલિક સર્ટિફિકેશન મળવાથી સમય અને ખર્ચ બંનેમાં બચત થઈ રહી છે.

25 વર્ષનું પરિવર્તન હવે માત્ર 3 વર્ષમાં આવશે

ઉદ્યોગમાં ઝડપી પરિવર્તન વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ દ્વારા છેલ્લા 25 વર્ષમાં જે બદલાવ આવ્યો છે, તે જ પ્રકારનો પરિવર્તન એઆઈ દ્વારા માત્ર 3 વર્ષમાં જોવા મળશે. ડાયમંડ માર્કેટમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને ઝડપી અને ચોક્કસ કામગીરી જરૂરી બની છે. એક રફ ડાયમંડને તૈયાર કરવામાં 18 લોકોની પ્રક્રિયા અને આશરે 40 દિવસનો સમય લાગે છે, જેને હવે એઆઈ ટેકનોલોજીથી સરળ અને ઝડપી બનાવવાની જરૂર છે.

સ્કિલ અપગ્રેડ કરવાની જરૂર પડશે

એઆઈ અને રોજગારી વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે,સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી સતત નવી ટેકનોલોજી અપનાવવાના કારણે જ આજે મજબૂત બની છે. એઆઈ દ્વારા હીરાનો ગ્રેડ નક્કી કરવામાં સરળતા આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એઆઈથી નોકરીઓ ખતમ નહીં થાય, પરંતુ લોકોના સ્કિલ અપગ્રેડ કરવાની જરૂર પડશે.

ટેકનોલોજીથી પારદર્શિતા અને વિકાસ વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકનોલોજી ઉદ્યોગમાં પારદર્શિતા લાવે છે. સુરત જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસ્યું છે અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનથી ઉદ્યોગને વધુ ગતિ મળશે. આ ઉપરાંત, લેબગ્રોન ડાયમંડ વિશે વિગતવાર માહિતી આપી અને તેના વધતા પ્રભાવ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.