નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) ના ટોચના નેતાઓને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સહિત અનેક નેતાઓ વિરુદ્ધ અદાલતની ફોજદારી અવમાનના (Criminal Contempt of Court) ની નોટિસ જારી કરી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, વિનય મિશ્રા અને દુર્ગેશ પાઠક નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
અરવિંદ કેજરીવાલે કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર કરવા અંગેનો એક પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેર કર્યો હતો, જેની દિલ્હી હાઈ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. જસ્ટિસ શર્માએ નોંધ્યું કે આ પત્ર અને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલ અભિયાન ન્યાયતંત્રની છબી ખરડવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર હતું. જો આ મામલે કાર્યવાહી કરવામાં ના આવે તો લોકોમાં ખોટો મેસેજ જશે. જેથી આ નોટિસ આપવામાં આવી છે.
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનું કડક વલણ
અદાલતે અવલોકન કર્યું કે, કાનૂની વિવાદને કોર્ટમાં લડવાને બદલે સોશિયલ મીડિયા પર લઈ જઈને તેને જનતા સમક્ષ એક અલગ નરેટિવ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે માત્ર જજ પર જ નહીં પરંતુ સમગ્ર ન્યાયિક સંસ્થાને બદનામ કરવાની કોશિશ છે. સુનાવણી દરમિયાન જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે, જજોના પરિવારના સભ્યોને પણ આ વિવાદમાં ઢસડીને તેમને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે આ ફક્ત કોઈ એક વ્યક્તિ પર વ્યક્તિગત હુમલો નથી, પરંતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્થિરતાને નબળી પાડવાનો પ્રયાસ છે.
અરાજકતા ફેલાવવાનો પ્રયાસ
દિલ્હી હાઈકોર્ટે ચેતવણી આપી છે કે, જો આવા સોશિયલ મીડિયા કેમ્પેઈન અને ન્યાયતંત્ર વિરુદ્ધના દુષ્પ્રચાર પર રોક લગાવવામાં નહીં આવે, તો સમાજમાં અરાજકતા ફેલાશે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટ જવાને બદલે પત્ર લખીને અને સોશિયલ મીડિયા પર પ્રચાર કરીને ખોટો રસ્તો અપનાવ્યો હોવાનું કોર્ટે જણાવ્યું છે.