નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ નીટ (NEET) 2026 પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા એક શાળાના હેડમિસ્ટ્રેસ (આચાર્યા) મનીષા હવલદારને લઈને શુક્રવારે રાત્રે કોર્ટમાં કેટલાક મહત્વના ખુલાસા કર્યા હતા. સીબીઆઈએ ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરતા કોર્ટને જણાવ્યું કે, મનીષાએ પોતાની યાદશક્તિના આધારે નીટ ફિઝિક્સ (ભૌતિક વિજ્ઞાન) ના પ્રશ્નો ફરીથી તૈયાર કર્યા હતા અને તે એક વિદ્યાર્થીને આપ્યા હતા. ધરપકડ બાદ વધુ પૂછપરછ માટે તેમને દિલ્હી લઈ જવામાં આવ્યા છે.
NTA એક્સપર્ટના નિર્દેશ પર કર્યું કામ
હવલદારે દાવો કર્યો છે કે તેણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના એક કેમિસ્ટ્રી એક્સપર્ટના નિર્દેશો પર કામ કર્યું હતું. સહ-આરોપી મનીષા મંધારેના કહેવાથી આ પ્રશ્નોના સેટને એક મેસેજિંગ એપ દ્વારા અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હવલદારે તપાસકર્તાઓને જણાવ્યું કે આ મટિરિયલ આગળ મોકલવા માટે તેણે પોતાના અને પોતાના પતિ, બંનેના મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો.
સીબીઆઈએ વધુમાં જણાવ્યું કે હવલદારે હાથથી લખેલા પ્રશ્નોના સેટ તૈયાર કરવા અને તેને વિદ્યાર્થીઓને ડિજિટલ તેમજ પ્રિન્ટેડ બંને સ્વરૂપે વહેંચવાની વાત પણ સ્વીકારી છે.
દરોડામાં ઘણાં મહત્વના પુરાવા
સીબીઆઈએ શુક્રવારે સદાશિવ પેઠમાં આવેલા હવલદારના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું. આ દરોડા દરમિયાન NEET-UG ના કેટલાય પ્રશ્નપત્રો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં મરાઠી-અંગ્રેજી માસ્ટર સેટ પેપર, M-2 કોડવાળું પેપર અને હિન્દી-અંગ્રેજી સંસ્કરણ (વર્ઝન) સામેલ છે.
આ સાથે જ, તપાસ એજન્સીએ અટેન્ડન્સ સર્ટિફિકેટ (હાજરી પત્રક), NTA દ્વારા બહાર પાડવામાં આવેલા ઓળખપત્રોની નકલ (ઝેરોક્ષ) અને રોકડ રકમ પણ કબજે કરી છે.
શાળાના કોમ્પ્યુટરમાંથી પુરાવા મિટાવવાનો પ્રયાસ
સીબીઆઈએ અહેવાલમાં જણાવ્યું છે કે મનીષા હવલદારે શેઠ હીરાલાલ સર્રાફ સ્કૂલના સત્તાવાર (ઓફિશિયલ) કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને લીક થયેલું મટિરિયલ પ્રિન્ટ કર્યું હતું.