Sun Sep 13 2026

Logo

શ્રમિકના વેશમાં અંજાર પોલીસની ૭ કલાક વોચ, ૩૮ ચોરી કરનાર કેબલચોર ત્રિપુટી ઝડપાઈ

2026-05-28 13:13:00
Author: Mumbai Samachar Team
શ્રમિકના વેશમાં અંજાર પોલીસની ૭ કલાક વોચ, ૩૮ ચોરી કરનાર કેબલચોર ત્રિપુટી ઝડપાઈ

ભુજઃ અંજાર, રતનાલ, પદ્ધર અને દુધઈ પંથકના વાડી વિસ્તારોમાં લાંબા સમયથી હાહાકાર મચાવતી કેબલચોર ટોળકીના ત્રણ સાગરીતોને અંજાર પોલીસે સતત દોઢ મહિનાની મહેનત બાદ ઝડપી પાડ્યા છે. પોલીસે શ્રમિકના વેશમાં રાત્રિના ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી બાવળની ઝાડીઓમાં છુપાઈને ઓપરેશન પાર પાડ્યું હતું. આ સફળતાથી પદ્ધર, અંજાર અને દુધઈ પોલીસ મથકની હદમાં બનેલા વાયર ચોરીના કુલ ૩૮ ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે.

પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસે ચોરીના મુખ્ય આરોપી જાકબ આમદ સમા (રહે. જૂના દેઢિયા, ભુજ) તથા ચોરીનો માલ રાખનારા બે ભંગારના વેપારી ભાઈઓ મામદ ઈશાક કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઈશાક કુંભાર (બંને રહે. અંજાર)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂા. ૨.૭૬ લાખની કિંમતનો ૪૨૫ કિલોગ્રામ કોપર વાયર, એક મોટરસાઇકલ અને એક કાર મળી કુલ રૂા. ૪,૦૧,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાત્રિના સમયે વાહનો લઈને અવાવરું જગ્યાએ ઊભા રહેતા અને ખેતરોના બોરમાંથી કટર વડે કેબલ કાપી, તેને સળગાવીને માત્ર અંદરનો કોપર વાયર ભંગારના વાડામાં વેચી દેતા હતા. 

પકડાયેલા આરોપીઓ પૈકી જાકબ સમા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ સંતરામપુરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પણ કાપી ચૂક્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય સહ-આરોપીઓ રજાક જુસા સમા, સધિક રહેમાન સમા અને શકુર અબ્દુલકરીમ સમા હજુ ફરાર છે, જેમને ઝડપી પાડવા અંજાર પી.આઈ. એચ.એ. જાડેજા અને સ્ટાફે કવાયત હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)