Fri Apr 17 2026

Logo

દુહાની દુનિયાઃ આણંદરામનું ગુરુ મહિમા ગાન

2026-02-16 11:18:00
Author: Mumbai Samachar Team
Article Image

ડૉ. બળવંત જાની

રવિભાણ પરંપરાના મૂળ અને કુળ સંદર્ભે છેલ્લાં ઘણાં વર્ષોથી અભ્યાસ ચાલે છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ હતો ત્યારે કનુભાઈ આચાર્યને ડીસા મળવાનું બને અને ભાણસાહેબ સંદર્ભે એમનો અભ્યાસ સાંભળવા મળે. ભાઈ નિરંજન સાથે તો ઈ.સ. 1978થી રવિભાણ પરંપરાના ભજનો, દંતકથાઓ સાંભળતો રહ્યો છું. જયમલ્લભાઈ, રાજુલ દવે, નરોત્તમ પલાણ, નાથાલાલ વિદ્યાર્થીઓ હંસાબહેન, ગોધાવિયાબહેન, વેગડા, જેતપરિયા અને છેલ્લે મહેશ મકવાણા.

મૂળ તો મહંત રાધિકાદાસજી રચિત ભાણચરિત્ર પ્રકાશ (ઈ.સ.1951) શ્રદ્ધૈય છે. હમણાં રવિસાહેબ કૃત ભાણપરચરી સંપાદન હાથ પર લીધું છે અને જીવાભગત રચિત ભાણપરચરી ભાઈ જેતપરિયાના સૌજન્યથી પ્રાપ્ત થઈ. આ બધા પ્રારંભિક સ્ત્રોતને આધારે સ્પષ્ટ રીતે ભાણસાહેબના દીક્ષા ગુરુ તો દુધરેજના ષષ્ટમદાસને જ માનવાના રહે. અને રામભક્તિ પરંપરાનું મૂળ પણ એમાં તથા કબીરસાહેબની સાધનાધારાનું પોતાને લાધેલું રૂપ એમને આગવા-અનોખા પંથ-દીક્ષા દર્શન લાધે, એ સત્વરૂપે પરંપરામાં પ્રચલિત થયું. સાહેબ ઉપરાંત દાસ ભક્ત તો બરાબર, પરંતુ પાછળથી રામ સંજ્ઞા જોડાઈ એનું રૂપ રામ ભક્તિની પ્રારંભકાલીન પરંપરા સાથેનું અનુસંધાન હોય એમ હું માનું છું. 

રવિસાહેબના શિષ્ય મોરારસાહેબના શિષ્યો બહુધા દાસ સંજ્ઞા નામછાપમાં પ્રયોજે છે. કેટલાક રામ, આણંદરામ, આનંદરામ નામછાપ પણ મળે છે. ઓગણીસમી સદીનો પૂવાર્ધ એમનો જીવનકાળ જ્ઞાતિએ તેઓ રાજપૂત હતા. મૂળ પડધરીના વતની. થોડો સમય જીવાભગત સાથે પણ સત્સંગ માટે રહેલા. આણંદરામની ગુરુભક્તિ અને ગુરુજી મોરારસાહેબ પરત્ત્વેની અપાર શ્રદ્ધાનો પરિચય કરાવતું પદ આસ્વાદીએ. 

રે સદ્ગુરુ તુમ લગ મેરી દોર;        
અવર ન સૂઝત ઠોર રે.. (ટેક)    ...1
માતા પિતા સબ તુમ હો મેરે;
તુમ બિન સગો નહિ ઓર, સદગુરૂ    ...2
તુમ હો પ્રિતમ પ્રાણ પ્યારે;
તુમ હો શિર કો મોડ રે, સદગુરૂ        ...3
તીર્થ વ્રત ઓર સાધના સંયમ;
તુમ હો મુક્તિ કો પોર, સદગુરૂ        ...4
કામ ક્રોધ લોભ અરુમમતા;
તા કો ત્યાં નહિ જોર, સદગુરૂ    ...પ
આનંદરામ ગુરુ મોરાર કે બલસે;
કેદ કિયો મન ચોર, સદગુરૂ    ...6

આણંદરામ ગાય છે કે સદગુરૂ તમારી સાથે મારો દોર જોડાયો છે. એટલે હવે બીજું કશું સુઝતું નથી. તમે જ મારા માતા, પિતા એમ બધું જ તમો છો તમારા સિવાય અન્ય કોઈ મારું સગુ વહાલું નથીી. પ્રિયતમ તમે જ પ્રાણથી મને પ્યારા છો. તમે જ મારા માથાના મુગટ સમાન છો. તીર્થ, વ્રત, સંયમ સાધના પણ તમારામાં જ હું ભાળું છું. એટલે મારી મુક્તિનું સાધન-મુક્તિ અપાવનાર પણ તમે જ છો. તમારે આશીષને કારણે તમારા આશીર્વાદથી કામ, ક્રોધ, મોહ, લોભ અને મમતાનું જોર અહીં મને સ્પર્શતું નથી. 

આણંદરામ માને છે કે મોરારસાહેબ જેવા ગુરુના બળથી ચોર રૂપી મનને સંયમમાં કેદ કરી શકાયું છે. સદ્ગુરુ તમારી સાથે સબંધ રચાયો એટલે મારાથી આ બધું શક્ય બન્યું છે. 

આણંદરામની ગુરુ કૃપા બળે જ સાધના શક્ય બન્યાની પ્રતીતિની વિગત અહીં પદ ભજનમાં પ્રસ્તુત થઈ છે. મૂળભૂત બાબત તો આખી સાધના ગુરુમુખી સાધના છે. કશું શિષ્યે કરવાનું નથી. સિદ્ધ ગુરુની કૃપાથી સાધક શિષ્ય સક્ષ્ામ બનીને સાધનાક્રિયાને પોતાના દ્વારા શક્ય બનાવે છે. આ શક્ય બન્યા પછી એને પ્રતીતિ થાય છે કે મારાથી જે શક્ય જ ન હતું એ ગુરુકૃપાથી શક્ય બન્યું. આ કારણ ગુરુ પરત્ત્વે વિશેષ પ્રકારનો સમર્પણભાવથી મનમાં દૃઢ થાય છે. 

મનને મનાવવાનું, મેંદા જેવું કુણું - માખણ બનાવવાનું કપરું છે. મનને સ્થિર કરવું આ સાધના ક્રિયાની ધારા અહીંથી ઉદ્ઘાદિત થાય છે, આણંદરામ હંમેશાં સત્સંગ-સાધના અને ગુરુ સેવામાં જ રત રહ્યા. એમની પ્રકૃતિ જાણીને મોરારે એમને ક્યાંય વહીવટ, વ્યવસ્થા કે વિહારમાં જોડયા નહીં પોતાની મસ્તીમાં, સાધનામાં લીન આણંદરામ આવા કારણે આપણાં અભ્યાસનો વિષય બને છે.