Sat Sep 26 2026

Logo

અમૃતા ફડણવીસના કાર્યક્રમમાં VIP ટ્રાફિક બ્લોક: મહિલાએ હાથ જોડીને રસ્તો આપવા કરી અપીલ, "મારા ઘરમાં ઈમરજન્સી છે, મને જવા દો..."

2026-09-07 17:12:00
Author: Mumbai Samachar Team
અમૃતા ફડણવીસના કાર્યક્રમમાં VIP ટ્રાફિક બ્લોક: મહિલાએ હાથ જોડીને રસ્તો આપવા કરી અપીલ, "મારા ઘરમાં ઈમરજન્સી છે, મને જવા દો..."

 

મુંબઈઃ અમૃતા ફડણવીસના કાર્યક્રમ દરમિયાન મુંબઈમાં ટ્રાફિક રોકાતા એક મહિલાએ હાથ જોડીને રસ્તો ખોલવાની આજીજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ ‘ક્વીન્સ ડ્રાઈવ ક્લબ 6.0 સુપરકાર રેલી’ને લીલી ઝંડી આપવા મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમને કારણે રસ્તા પર ટ્રાફિક રોકવામાં આવ્યો હતો.

વીડિયોમાં સફેદ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં એક આધેડ વયની મહિલા મીડિયાકર્મીઓની સામે આવીને રડતી અને હાથ જોડતી જોવા મળી હતી. મહિલાએ કહ્યું, “ગાઈઝ, મને ઈમરજન્સી છે. મારા ઘરમાં ઈમરજન્સી છે. મારી કાર ફસાઈ ગઈ છે. કૃપા કરીને મને જવા દો.” તેણે દાવો કર્યો કે તે છેલ્લા દોઢ કલાકથી ટ્રાફિકમાં ફસાયેલી છે અને હવે વધુ રાહ જોઈ શકે તેમ નથી. મહિલાએ વારંવાર રસ્તો આપવા માટે વિનંતી કરી હતી.

જ્યારે તેને ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવ્યું ત્યારે મહિલાએ હાથ જોડીને માફી માંગી અને કહ્યું, “પ્લીઝ, પ્લીઝ... હું હાથ જોડું છું, મારી કારને રસ્તો આપો.” આ દરમિયાન તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. મહિલાએ પોતાની સ્થિતિને જીવન-મરણનો સવાલ ગણાવીને તેને તાત્કાલિક ત્યાંથી જવા દેવા વિનંતી કરી હતી. જોકે સુરક્ષાકર્મીઓ તેને પાછળ લઈ ગયા અને તેને રસ્તો મળ્યો નહોતો.

આ સમગ્ર ઘટનામાં અમૃતા ફડણવીસે કોઈ પ્રતિક્રિયા આપી ન હોવાનો દાવો વીડિયોમાં કરવામાં આવ્યો છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર તેમની ટીકા પણ થઈ રહી છે. કેટલાક યુઝર્સે મહિલાની હાલત જોઈને VIP મૂવમેન્ટ દરમિયાન ટ્રાફિક રોકવા સામે સવાલો ઉઠાવ્યા હતા. એક યુઝરે ટિપ્પણી કરી કે VIP મૂવમેન્ટમાં ટ્રાફિક બ્લોક થવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી પડે છે અને કોઈની જિંદગી-મોતની સ્થિતિ હોય તો પણ તેની પર ધ્યાન અપાતું નથી.

દરમિયાન કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવા જોઈએ અને સરકાર સારું કામ કરતી હોય તો તેના પર બિનજરૂરી ટિપ્પણી કરવી યોગ્ય નથી. 

સ્વરા ભાસ્કરના એક નિવેદન અંગે પણ અમૃતાએ કહ્યું કે મહિલાઓ માટે આત્મસન્માન સૌથી મહત્વપૂર્ણ છે. આજના સમયમાં કોર્ટ અને પોલીસ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોવાથી જૂના સમય સાથે આજની પરિસ્થિતિની સરખામણી કરવી યોગ્ય નથી.