અમદાવાદ: આજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક યુવાન સિંહના હુમલાની ચોંકાવનારી ઘટનામાં યુવાનના મોત મુદ્દે સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો પરપ્રાંતીય યુવક મોડી રાત્રે પોતાના બહાર નીકળ્યો હતો, તે સમયે સિંહણે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને સિંહણ યુવકને ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો. જો કે સિંહો દ્વારા માનવ પર હુમલો કરવામાં આવે તેવી ઘટનાઓ ખૂબ જ જવલ્લે જ જોવા મળતી હોય છે, ત્યારે આ બનાવ પર વન પ્રધાન અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે.
વન પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહ પરિવાર સાથેની અથડામણમાં એક યુવકના અવસાન થયાનું જાણવા મળ્યું છે . પ્રાથમિક માહિતી અનુસાર, યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને કોઈ કારણસર ત્યાંથી નીકળી ગયો હતો અને પછી તેના મૃત્યુના સમાચાર આવ્યા. તેમણે કહ્યું હતું કે તાકીદે પગલાં લઈને બંને સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે તેમજ બંને બાલ સિંહોને પણ રેસ્ક્યૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં વન વિભાગના ટ્રેકરોની સંખ્યા વધારવા તેમજ રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ અને પેટ્રોલિંગ સઘન બનાવવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આગળ તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભાગ્યે જ આવી રીતે હુમલા કરતાં હોય છે એટલે કે સામાન્ય સંજોગોમાં એશિયાટિક સિંહો માનવ સંઘર્ષમાં ઉતરવાનું ટાળતા હોય છે, પરંતુ ક્યારેક એના વર્તનમાં અણધાર્યો બદલાવ આવતો હોય છે અથવા તો એકલતાના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. વન વિભાગ પણ આ બાબતે ખૂબ જ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. તેમણે લોકોને વન વિભાગની સૂચનાઓનો અમલ કરવા અપીલ કરતી હતી. તેમણે જણાવ્યું હતું કે માનવજીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે.