અમરેલીઃ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આધેડે અજાણી યુવતીને લિફ્ટ આપી હતી. જે બાદ તેમને સેક્સ સ્કેમમાં ફસાવવાની ધમકી આપીને લૂંટી લેવાયા હતા. વૃદ્ધની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરીને 4 આરોપીઓને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓ મૂળ સુરતના રહેવાસી હતા અને મહિલાઓનો મહોરા તરીકે ઉપયોગ કરી અલગ-અલગ વિસ્તારોમાં નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
અમરેલીના લાઠી પાસે અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી એક વૃદ્ધને ભારે પડી ગઈ હતી. એક વૃદ્ધ પોતાની બાઈક પર દીકરીના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં લાઠી ચોકડી પાસે એક અજાણી મહિલાએ ભુરખીયા જવા માટે લિફ્ટ માગી હતી. વૃદ્ધે દયા રાખીને તેને બાઈક પર બેસાડી દીધી હતી.
જેવા તેઓ ભુરખીયા પહોંચ્યા, કે તરત જ કારમાં આવેલા મહિલાના સાગરીતોએ બાઈક રોકી લીધી હતી. તેમણે વૃદ્ધને માર માર્યો અને ધમકી આપી કે, તું આ સ્ત્રી સાથે બળાત્કાર કરવાનો હતો, અમે તારા પર પોલીસ કેસ કરી દઈશું. કેસ ન કરવા માટે આરોપીઓએ ૨.૫૦ લાખ રૂપિયા માગ્યા. ડરી ગયેલા વૃદ્ધ પાસેથી તેમણે ઓનલાઈન મારફતે રૂ. 58 હજાર પડાવી લીધા અને ભાગી ગયા હતા.
વૃદ્ધની ફરિયાદ આધારે લાઠી, ભાવનગર અને અમદાવાદ પોલીસે મળીને તપાસ કરી હતી. પોલીસે સુરતની ‘હનીટ્રેપ ગેંગ’ના 4 સભ્યો હેતલબેન સોરઠીયા, ઘનશ્યામ લાઠીયા, નિલેશ ગોસ્વામી અને રાજેશ કાથરોટીયાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં ચોપડે ચોંટેલા છે. પોલીસે તેમની પાસેથી લૂંટેલા રૂ. 58,000 રોકડા, 4 મોબાઈલ અને કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.