Fri Jun 26 2026

Logo

ડિટેક્ટ, ડિસરપ્ટ, ડિસ્ટ્રોય: ડ્રગ્સ માફિયાઓ સામે અમિત શાહનો નવો એક્શન પ્લાન

2026-06-26 20:04:44
Author: Mumbai Samachar Team
Article Image

12 વર્ષમાં 1.84 લાખ કરોડનું ડ્રગ્સ જપ્ત, ડ્રગ પેડલર્સ સામે કેન્દ્ર સરકાર આકરા પાણીએ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (એનસીઓઆરડી)ની દસમી ઉચ્ચ સ્તરીય બેઠકનું આજે નેતૃત્વ કર્યું હતું. ગૃહ મંત્રાલય અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આયોજિત બેઠકમાં કેન્દ્રીય મંત્રાલય સહિત અન્ય એજન્સીએ ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ દેશમાં ચાલી રહેલા ડ્રગ્સનો સફાયો અને ડ્રગ્સ વિરોધી અભિયાનની સમીક્ષા કરવાનો હતો.

કેન્દ્ર નાર્કો સિન્ડિકેટ દ્વારા શોષિત છટકબારીઓને દૂર કરવા માટે એનડીપીએસ કાયદા પર "પુનર્વિચાર" કરી રહ્યું છે અને ડ્રગ પેડલર્સ અને સપ્લાયર્સ પ્રત્યે નિર્દય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. 

નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (એનસીઓઆરડી)ની ૧૦મી ટોચ-સ્તરની બેઠકને સંબોધતા શાહે રાજ્યોને કાયદામાં સુધારો કરવા માટે કેન્દ્ર સાથે તેમના સૂચનો શેર કરવા કહ્યું હતું. એમણે દેશમાં ડ્રગના જોખમનો સામનો કરવામાં એજન્સીઓ દ્વારા પ્રાપ્ત સફળતા વિશે પણ વાત કરી હતી.

૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ૨૬ લાખ કિલોગ્રામ સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તેનાથી વિપરીત ૨૦૧૪થી ૨૦૨૬ દરમિયાન અમે ૧.૧૮ કરોડ કિલોગ્રામ સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કર્યા. આ દર્શાવે છે કે અમારું અભિયાન સફળતા તરફ સતત આગળ વધી રહ્યું છે," એવું તેમણે કહ્યું.

શાહે કહ્યું કે ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે જપ્ત કરાયેલા ડ્રગ્સનું મૂલ્ય આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા હતું, જ્યારે ૨૦૧૪થી ૨૦૨૬ વચ્ચે જપ્ત કરાયેલા ડ્રગ્સનું મૂલ્ય આશરે ૧.૮૪ લાખ કરોડ રૂપિયા હતું.

તેમણે કહ્યું કે આ સરકારની કાર્યવાહીની અસરકારકતા અને અવકાશમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. શાહે કહ્યું કે કેન્દ્રીય નાણાં મંત્રાલય નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટને મજબૂત બનાવવા માટે "ફરીથી વિચારી" રહ્યું છે અને રાજ્યોને તેમના સૂચનો શેર કરવા કહ્યું હતું.

અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની સાથે નશામુક્ત ભારતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જોકે, તેમણે કહ્યું કે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ત્રણ સિદ્ધાંતો પર કામ કરવાનું રહેશે, જેમાં પહેલું, ડિટેક્ટ (Detect), ડિસરપ્ટ (Disrupt) અને ડિસ્ટ્રોય (Destroy). તેમણે કહ્યું કે ડ્રગ્સના પૂરા કારોબારને ધ્વસ્ત કરવાનો રહેશે, જ્યારે તેમાં કોઈ કિંગપિન બચવો જોઈએ નહીં.