Sat Jun 27 2026

Logo

માત્ર અમદાવાદમાં જ નહીં પણ ગુજરાતના 14 શહેરોમાં મળશે ‘ભારત ટેક્સી’નો લાભ! જાણો વિગતો

2026-06-27 17:49:00
Author: Devayat Khatana
Article Image

ChatGTP Ai Generated Image


ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેમણે પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી સહકારી મોડલ આધારિત 'ભારત ટેક્ષી' સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.  મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના એરપોર્ટ તેમજ વિવિધ સરકારી સંસ્થાઓ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા.  આ સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતનાં 14 પ્રમુખ શહેરોમાં ‘ભારત ટેક્સીનો શુભારંભ થઈ ચૂક્યો છે. 

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની રિક્ષાએ તેની મોબિલિટીનો પ્રાણ છે. ટેક્સીનો ઉપયોગ અને વિસ્તાર ખૂબ જ વધી ગયો અને જુદી જુદી કંપનીઓ આવી અને તેમણે એપ્લિકેશન બનાવી. તેમણે કહ્યું હતું કે તે કંપનીઓ સારથીને ડ્રાઈવર માને છે, જ્યારે અમે ડ્રાઈવરને સારથી માનીએ છીએ. બંનેની વિભાવનાનું આ જ અંતર છે. તે કંપનીઓએ ટેક્સીના સારથિઓ અને ઉપયોગ કરનારા લોકોનું શોષણ કર્યું. જુદી જુદી ડ્રાઈવરના નફામાથી કમિશન લઈ લેવું, અનેક વાર દિવસો સુધી કમિશન નહોતું મળતું, રજીસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવતું હતું. આવી અનેક પ્રકારની સમસ્યાઓ અમને મળી હતી. 

આગળ તેમણે જણાવ્યું હતું કે અમને ભલામણ કરવામાં આવી હતી કે આ માટે કોઈ કાયદો લાવવામાં આવે પણ કાયદો એ કોઈ સમસ્યાનું સો ટકા સમાધાન નથી હોતું. આ માટે અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ની શરૂઆત કરવામાં આવી.  ‘ભારત ટેક્સી’ નો આજે ગાંધીનગરથી ગુજરાતના તમામ પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ નવીન પહેલથી ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી એપ-આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ છે, તેમ અમિત શાહે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આજે દેશભરના 7 લાખથી વધુ સારથિઓ રૂ. 100 ના શેર સાથે ‘ભારત ટેક્સી’ના સહ માલિક-શેરહોલ્ડર બન્યા છે. આ મોડેલ માત્ર ગ્રાહકોને વ્યાજબી ભાવે સુરક્ષિત સવારી જ નથી આપતું, પરંતુ સારથિઓને સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિની ગેરંટી આપે છે. આગળ તેમણે જણાયું હતું કે આજે, એક મહિલા પશુપાલક કે જેમણે માત્ર રૂ.100 ના શેરથી શરૂઆત કરી હતી, તે એક સિસ્ટમ એટલે કે અમૂલનો ભાગ છે, જે રૂ. 1.25  લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે. જેના પરિણામે અમૂલ વિશ્વની સૌથી વિશ્વસનીય ફૂડ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે.

બજારમાં ચાલી રહેલી સ્પર્ધા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે, ‘ભારત ટેક્સી’ની એન્ટ્રી રોકવા માટે બજારની અન્ય મોટી કંપનીઓ અત્યારે જાણી જોઈને નુકસાન વેઠીને પણ ભાડાં ઘટાડી રહી છે. આ માત્ર ગેરમાર્ગે દોરવાની યુક્તિ છે. પરંતુ ‘ભારત ટેક્સી’ ન તો થાકશે તથા ન તો મેદાન છોડીને ભાગશે. સહકારી ભાવના અને સેવાના સંકલ્પ સાથે આ સંસ્થા અડગ ઊભી રહેશે. જેમ અમૂલ અને ઇફ્કોએ ખાનગી કંપનીઓ સામે સફળતા મેળવી છે, તેવી જ રીતે ‘ભારત ટેક્સી’ પણ ગ્રાહકો અને સારથિઓના હિતમાં વિજયી બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

આ સેવાને મજબૂત બનાવવા માટે દેશની ટોચની સહકારી સંસ્થાઓ જેવી કે NCDC, ઇફ્કો, ક્રિભકો, NDDB, નાબાર્ડ અને અમૂલ જેવી સંસ્થાઓએ આર્થિક અને સંગઠનાત્મક પીઠબળ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, એએમસી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ટ્રાફિક પોલીસ અને પશ્ચિમ રેલ્વે સાથે જોડાણ કરીને આ સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આગામી બે વર્ષમાં ભારત ટેક્સી નાગપુર, પુણે, મુંબઈ, લખનઉ, ચંદીગઢ, જયપુર અને કોલકાતા જેવા દેશના ૫૦૦થી વધુ નાના-મોટા શહેરોમાં પોતાનો વિસ્તાર કરશે, તેમ અમિત શાહે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ‘ભારત ટેક્સી’ માત્ર ભાડા પૂરતી સીમિત નથી. આવનારા દિવસોમાં આ સહકારી સંસ્થા તેના સભ્યો-સારથિઓને સસ્તા દરે લોન અપાવવામાં મદદ કરશે, તેમના પરિવારો માટે વીમાની ચિંતા કરશે અને તેમના બિઝનેસ વિસ્તરણના મોડેલને પણ આર્થિક ટેકો આપશે.  અમિત શાહે ભારત ટેકસીના ગુજરાતના તમામ સારથિ ભાઈ-બહેનોને ઉજ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધિની અનંત શુભેચ્છાઓ પાઠવી હતી.  

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાતના ૧૪ પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં ભારત ટેક્સીની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  'ભારત ટેક્સી' સાથે માત્ર પાંચ મહિનામાં જ 7 લાખ સારથિઓ અને 40 લાખ ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે. જેમાં ગુજરાતના 1.5 લાખથી વધુ સારથિ અને ૬ લાખ ગ્રાહકોનો સમાવેશ થાય છે.

જ્યારે સંભવિત આગામી એક માસમાં સમગ્ર ગુજરાતમાં આ સેવા શરૂ કરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, અદાણી એરપોર્ટ, અમદાવાદ પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા- સુરત, રાજકોટ અને વડોદરા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર-BRTS, ગુજરાત ટ્રાફિક પોલીસ સાથે વિવિધ સમજૂતી કરાર-MoU કરવામાં આવ્યા હતા.