Thu May 28 2026

Logo

‘ઘૂસણખોરો પોતે જ પાછા ચાલ્યા જાય...’: અમદાવાદમાં અમિત શાહે મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહાર

2026-05-28 18:13:27
Author: Vimal Prajapati
Article Image

બંગાળમાં નવી શુવેન્દુ અધિકારી સરકારે 7 દિવસમાં BSFને સોંપી જમીન, ભારત-બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગનું કામ હવે રોકેટ ગતિએ થશે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશી ઘૂસણખોરીના મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, તત્કાલીન સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે મમતા બેનરજીના શાસનમાં રોજ ઘૂસણખોરી થતી હતી, પરંતુ હવે બદલાવ આવ્યો છે.

ભાજપે બંગાળ ચૂંટણી દરમિયાન સરહદી સુરક્ષાને લઈને જે વચનો આપ્યા હતા, તે હવે ખૂબ જ ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યા છે. અમિત શાહે દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાન શુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળની નવી બંગાળ સરકાર દ્વારા માત્ર સાત દિવસમાં 600 હેક્ટર જમીન BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ને સોંપી દેવામાં આવી છે, જેથી હવે સરહદ પરની સુરક્ષામાં વધારો કરી શકાશે. હવે એનો અર્થ એ છે કે ચૂંટણી સમયે જે વચનો આપવામાં આવ્યાં હતા તેનો અમલ શરુ કર્યો છે.

સરહદે ફેન્સિંગનું કામ હવે રોકેટ ગતિએ થશે

લાંબા સમયથી ભારત-બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગનું કામ જમીન સંપાદનના વિવાદોને કારણે અટકેલું હતું. ગૃહ પ્રધાને જણાવ્યું કે, બંગાળ સરકારે માત્ર સરહદ જ નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા ‘ચિકન નેક’ વિસ્તારની પણ 121 હેક્ટર જમીન BSFને સોંપી દીધી છે. આ જમીન મળવાથી હવે અટકેલા તમામ સુરક્ષા પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા થશે. વધુમાં કહ્યું કે, ‘પહેલાની મમતા બેનર્જી સરકારના શાસનમાં બંગાળ સરહદેથી દરરોજ ગેરકાયદે ઘૂસણખોરી થતી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને ઘૂસણખોરો પોતે જ પાછા ભાગવા લાગ્યા છે’.

કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી

અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષાના આ મોટા કદમ અંગે વાત કરતા ઘૂસણખોરોને સ્વેચ્છાએ ભારત છોડવાની ચેતવણી આપી છે. કહ્યું કે, બંગાળમાં ગેરકાયદે રહેતા લોકો માટે ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જે લોકો ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસ્યા છે, તેઓ પોતે જ પાછા ચાલ્યા જાય તે હિતાવહ છે. જો તેઓ સ્વેચ્છાએ પાછા જશે, તો સરકાર તેમની સામે કોઈ કાનૂની કેસ નહીં કરે અને વતન વાપસીમાં મદદ પણ કરશે. સરકાર ટૂંક સમયમાં મોટું આઈડેન્ટિફિકેશન અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ ઓપરેશન શરૂ થાય તે પહેલા જ ઘૂસણખોરો સરહદ પાર કરી લે, તે જ તેમના માટે સારું રહેશે. બાકી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી આપી છે. 

ભાજપ દ્વારા ચૂંટણી સમયે શું વાયદો કરવામાં આવ્યો હતો?

બંગાળમાં ચૂંટણી વખતે ભાજપે જોરદાર પ્રચાર કર્યો હતો. જેમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર વ્યાપક ફેન્સિંગ અને ઘૂસણખોરી રોકવી એ પશ્ચિમ બંગાળમાં ભાજપનો મુખ્ય ચૂંટણી એજન્ડા હતો. અગાઉની ટીએમસી સરકાર ફેન્સિંગ માટે જમીન આપતી ન હોવાના આક્ષેપો કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર થતા હતા. હવે બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્ય પ્રધાન શુવેન્દુ અધિકારીએ કેન્દ્ર સાથે તાલમેલ મિલાવીને ત્વરિત નિર્ણયો લેતા સરહદ સુરક્ષા વધુ મજબૂત બનવા જઈ રહી છે.