નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ મુખ્યાલયમાં ‘વંદે માતરમ્’ ગાનને લઇને રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે વંદે માતરમ્ નું અપમાન કર્યું છે તો કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત તરફથી ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ જોકે વકીલ અંબુજ દીક્ષિત અને અમરીશ રંજન પાંડેએ મોકલી છે. મામલો 13 ઓગસ્ટના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજિત રચનાત્મક કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલન સાથે જોડાયેલો છે, જ્યાં રાષ્ટ્રગાનને લઇને ટેકનિકલ ગરબડ થઇ હતી.
ભાજપનો શું છે આરોપ?
ભાજપે એક વીડિયો ક્લીપ શેર કરીને લખ્યું, "જુઓ રાહુલ ગાંધીએ ફરી એકવાર રાષ્ટ્રગાનનું અપમાન કર્યું. રાષ્ટ્રગાન જેની પર દરેક ભારતીયને ગર્વ છે જે રાષ્ટ્રના ગૌરવ, પ્રતિષ્ઠા અને મહિમાનું પ્રતિક છે, તેનું સન્માન કરવું દરેક નાગરિકનું કર્તવ્ય છે. પરંતુ રાહલ ગાંધીએ તેનું અપમાન કર્યું, અને ફરી એકવાર પોતાનું રાષ્ટ્રવિરોધી વલણ છતું કર્યું"
નોટિસમાં શું કહેવામાં આવ્યું?
નોટિસમા જણાવ્યા અનુસાર કાર્યક્રમમાં રાષ્ટ્રગાન સામાન્ય રીતે જ વગાડવામાં આવ્યું. સ્ટેજ પર હાજર સંદીપ દીક્ષિત, રાહુલ ગાંધી અને બાકીના લોકો એમ માનીને આગળ વધી ગયા કે રાષ્ટ્રગાન સમાપ્ત થઇ ચૂક્યું છે અને તેઓ એક બીજા સાથે વાતો કરવા લાગ્યા. દરમ્યાન ઓડિયો સિસ્ટમમા ભૂલને કારણે રાષ્ટ્રગાન ફરી વાગવા લાગ્યું. જો કે ઓપરેટરે તેને તરત બંધ કરી દીધું.
નોટિસમાં ભાજપના આધિકારિક એક્સ હેન્ડલ @BJP4India થી ઘટનાને ખોટી અને ભ્રામક રીતે રજૂ કરવામાં આવી. નોટિસમાં ભાજપને એ જ એક્સ હેંડલ દ્વારા કોઇપણ શરત વિના માફી માંગવા અને સમગ્ર મામલે સ્પષ્ટીકરણ કરવા કહેવાયું છે. અને ભવિષ્યમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આવા આરોપ ફરી ન લગાવવાની માંગ કરવામાં આવી છે. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે નિર્ધારિત સમયસીમામાં જવાબ નહીં મળે તો રાહુલ ગાંધી તરફથી માનહાનિનો દાવો કરવામાં આવી શકે છે.