Tue Oct 06 2026

Logo

ભારદવી પૂનમના મેળામાં આસ્થાનો મહાસાગર! 10.25 લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા-ધ્વજારોહણ કર્યુ

2026-09-26 21:44:51
Author: Mumbai Samachar Team
ભારદવી પૂનમના મેળામાં આસ્થાનો મહાસાગર! 10.25 લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા-ધ્વજારોહણ કર્યુ

અંબાજીઃ ગુજરાતમાં આવેલા શક્તિપીઠ એવા અંબાજી ધામે ભાદરવી પૂનમના મેળામાં રાજ્યભરમાંથી ભાવિકો આવ્યા હતા, કોઈ પદયાત્રા કરીને તો કોઈ સેવાકેમ્પ થકી અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. છેલ્લા 15 દિવસ દરમિયાન અંબાજી મંદિરે આશરે 10 લાખથી વધારે ભાવિકોએ દર્શન કર્યા છે. જ્યારે 5500થી વધારે ધ્વજારોહણ કરાયા હતા. માત્ર રાજ્યભરના ભાવિકો જ નહીં પણ પોલીસ વિભાગનો પરિવાર પણ અંબાના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. આમ શનિવારે પૂનમનો મહામેળો ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો. 

ભાવિકોની પદયાત્રા પૂરી

ભાદરવી પૂનમના પાવન પર્વ પર બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મહામેળામાં જનમેદની ઉમટી હતી. હિંમતનગર અને દાંતા એમ બન્ને રૂટ પર  ભક્તિમય અને ઉલ્લાસસભર માહોલ જોવા મળ્યો હતો. પદયાત્રઓ માતાજીના નામનો જયજયકાર કરતા કરતા આગળ વધ્યા હતા અને પૂનમના દિવસે પદયાત્રા પૂરી કરીને માતાના ચરણમાં શીશ નમાવીને ધન્ય થયા હતા. આ સાથે જ ભાવિકોએ આસો માસના નોરતામાં પોતાને ત્યાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું.  મા જગદંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરમાંથી લાખો માઈભક્તો, પદયાત્રીઓ અને સંઘો ઉમટી પડ્યા હતા. ભાદરવા એકમથી પૂનમ સુધીના 15 દિવસ દરમિયાન અંદાજે 10.25 લાખથી વધુ ભક્તોએ અંબાજી પરિસરમાં-ચાચર ચોકમાં દર્શન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. ખેડબ્રહ્મા, હિંમતનગર, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા મહાનગરના યાત્રી સંઘોએ આ વર્ષે પણ પોતાની પરંપરા જાળવી હતી. 

સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા

અંબાજી જતા બન્ને રૂટ પર ભજન, ભોજન, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા, આરામ માટેની વ્યવસ્થા, પદયાત્રીઓ માટે પાણીની વ્યવસ્થા, રસ્તા પર સતત પાણી અને જરૂરી વસ્તુઓ મળતી રહે માટેની સુવિધાનું સેવાકેમ્પ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટે આપેલા એક રિપોર્ટ અનુસાર આ વખતે ભાદરવી મેળા દરમિયાન અત્યાર સુધી આશરે 10 લાખ 25 હજારથી વધુ માઇ ભક્તોએ માતાના દર્શન કર્યા છે. 500થી વધારે યાત્રાસંઘ અંબાજી આવી પહોંચ્યા હતા અને ગ્રૂપમાં અનેક એવા લોકોએ મા ના દર્શન કર્યા છે. જિલ્લા પોલીસવડા દ્વારા પણ શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને મંદિરમાં દરેક ભાવિકોને દર્શનનો લ્હાવો મળે, ખોટી રીતે કોઈ ધક્કામુક્કી ન થાય, ભક્તિમય માહોલમાં ભાવિકો દર્શન કરી શકે, પ્રસાદ લઈ શકે અને શાંતિપૂર્ણ રીતે પદયાત્રા પૂરી કરી શકે એ માટે ખાસ અને શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિરની આસપાસ તથા અંબાજી ધામમાં સમયાંતરે સફાઈ પણ કરવામાં આવી રહી હતી.

સીસીટીવીથી સુરક્ષા

યાત્રિકો માટે સ્નાન, શૌચાલય અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર મંદિર પરિસર અને મેળા વિસ્તાર પર 120 જેટલા CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી હતી. ખાસ કરીને મંદિરના એકથી વધુ દ્વારને ભાવિકો માટે ખોલી દેવામાં આવ્યા હતા. પરિસરમાં ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી. લાઈનામાં ઊભા રહીને આવતા ભાવિકોને પણ દર્શન થઈ જાય એ રીતે પોલીસે વ્યવસ્થા ગોઠવી હતી. આ સાથે મંદિર પરિસરની ખાનગી સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી હતી. એક જ દિવસમાં 700થી વધારે ધ્વજારોહણ થયા છે. આ ખરેખર ભાવિકોની આસ્થાનો વિષય છે.