Mon Apr 20 2026

Logo

વડોદરાના વિદ્યાર્થીઓની કમાલ: દરિયાના પાણીમાંથી શોધ્યા અંધારામાં પણ અજવાળું આપતા બેક્ટેરિયા!

2026-04-20 16:43:24
Author: Devayat Khatana
Article Image

વડોદરા:  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) સંલગ્ન પાદરાની એમ.કે. અમીન કોલેજના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. બી.એસસી. માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ અર્ણવ ઢમઢેરે અને હરિઓમ પાઠકે દરિયાના પાણીમાંથી એક ખાસ પ્રકારના બેક્ટેરિયા શોધી કાઢ્યા છે, જે અંધારામાં કુદરતી રીતે પ્રકાશ પેદા કરે છે. આ બેક્ટેરિયાને વિજ્ઞાનની ભાષામાં 'બાયોલ્યુમિનિસેન્ટ બેક્ટેરિયા' (Bioluminescent Bacteria) કહેવામાં આવે છે. આ શોધને કારણે શૈક્ષણિક અને વૈજ્ઞાનિક જગતમાં આ બંને વિદ્યાર્થીઓ અને વડોદરાનું નામ રોશન થયું છે.

આ સંશોધન વિશે વિગતો આપતા અર્ણવ અને હરિઓમે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. તેઓએ આ માટે મહારાષ્ટ્રના રત્નાગિરી વિસ્તારના દરિયાકિનારેથી પાણીના નમૂના એકત્ર કર્યા હતા. હરિઓમે જણાવ્યું હતું કે દરિયાનું પાણી લાવ્યા બાદ તેમાંથી આ વિશિષ્ટ બેક્ટેરિયાને અલગ તારવવામાં અને તેની સચોટ ઓળખ કરવામાં તેમને અંદાજે 11 મહિના જેટલો સમય લાગ્યો હતો. નાની-મોટી ટેકનિકલ મુશ્કેલીઓ છતાં આ વિદ્યાર્થીઓએ હાર માની નહોતી અને અંતે સફળતા મેળવી હતી.

આ સમગ્ર સંશોધન પ્રોફેસર દેવર્ષિ ગજ્જર અને ડો. પ્રિયા મિશ્રાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પ્રોફેસરોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને લેબોરેટરીમાં જરૂરી તમામ સુવિધાઓ અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ બેક્ટેરિયા માત્ર ખારા પાણીમાં જ જીવિત રહી શકે છે. આગામી સમયમાં આ બેક્ટેરિયાનો ઉપયોગ લિક્વિડ બનાવવા માટે તેમજ વિવિધ મેડિકલ ટેસ્ટિંગ અને ડાયગ્નોસિસમાં કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ કોલેજ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ભવિષ્યની દ્રષ્ટિએ આ શોધ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે બાયોલ્યુમિનિસેન્ટ બેક્ટેરિયાનો ઉપયોગ પ્રદૂષણની દેખરેખ મેડિકલ રિસર્ચ અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં થઈ શકે છે. હાલમાં આ બેક્ટેરિયાનું પેથોલોજીકલ એનાલિસિસ ચાલી રહ્યું છે. આ સફળતાએ અન્ય યુવા વિદ્યાર્થીઓને પણ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કંઈક નવું કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.