અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે નાગરિક સ્વતંત્રતા મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે પોલીસ દ્વારા શાંતિ ભંગના આરોપ બદલ વ્યકિતની ધરપકડને અયોગ્ય ઠેરવી હતી. તેમજ કહ્યું હતું કે નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી છે અને કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈને પણ જેલમાં મોકલી શકાય નહિ. કોર્ટે આ કેસમાં પીડિત નાગરિકને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. તેમજ આ રકમ એસીપીના પગારમાંથી વસૂલવા પણ જણાવ્યું છે.
રૂપિયા 2 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
આ અંગે હાઇકોર્ટેની બેન્ચે મન્સૂર અહેમદની અરજી પર સુનાવણી કરતી વખતે નોંધ્યું કે તેમને આઠ દિવસ માટે ગેરકાયદે રીતે ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને છ અઠવાડિયાની અંદર પીડિતને રૂપિયા 2 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
બીએનએસએસની કલમોનો ભંગ કરવામાં આવ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપીને જણાવ્યું હતું કે એસીપી (બારા) વેદ વ્યાસ મિશ્રા અને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે આ મામલે બીએનએસએસ ની કલમ 170, 126 અને 135 નું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે અવલોકન કર્યું કે વ્યક્તિને શાંતિ જાળવવા માટે વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની તક આપવી જોઈતી હતી. પરંતુ તેને સીધા જેલમાં મોકલી દેવામાં આવ્યો. કોર્ટે વળતરનો આદેશ આપ્યો અને નિર્દેશ આપ્યો કે જો એસીપી દોષિત ઠરે તો આ રકમ એસીપીના પગારમાંથી વસૂલ કરવામાં આવે. વેદ વ્યાસ મિશ્રા હાલમાં પ્રયાગરાજમાં નિયુક્ત છે.
મેજિસ્ટ્રેટે યોગ્ય સુનાવણી વિના જેલમાં મોકલવાનો આદેશ આપ્યો
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની વિગતો મુજબ ખીરી પોલીસે 19 માર્ચ, 2026 ના રોજ રાત્રે 12.50 વાગ્યાની આસપાસ મન્સૂર અહેમદને તેના ઘરેથી ઉપાડી લીધો હતો. પોલીસે તેને બીએનએસએસની કલમ 170, 126 અને 135 હેઠળ અટકાયતમાં લીધો હતો અને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બારાની સમક્ષ રજૂ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે નોંધ્યું કે મેજિસ્ટ્રેટે યોગ્ય સુનાવણી વિના છાપેલા આદેશ પર સહી કરી હતી અને આરોપીને આઠ દિવસ માટે જેલમાં મોકલી દીધો હતો.