Sat Sep 05 2026

Logo

ઈરાનને વધુ એક મોટો ફટકો: ઈઝરાયલે હોર્મુઝની આક્રમક વ્યૂહરચનાનો મુખ્ય સૂત્રધાર તંગસીરીને પતાવી દીધાનો કર્યો દાવો

Tel Aviv   2026-03-26 15:09:00
Author: Mayur Patel
ઈરાનને વધુ એક મોટો ફટકો: ઈઝરાયલે હોર્મુઝની આક્રમક વ્યૂહરચનાનો મુખ્ય સૂત્રધાર તંગસીરીને પતાવી દીધાનો કર્યો દાવો

તેલ અવીવઃ ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલાને ત્રણ સપ્તાહથી વધુ સમય થયો છે. આ દરમિયાન ઈઝરાયલે એક મોટો દાવો કર્યો છે. ઈઝરાયલના અધિકારીઓ દ્વારા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની નૌસેનાના કમાન્ડર અલીરેજા તંગસીરીનું હુમલામાં મોત થયું હોવાનો દાવો કર્યો હતો. આ હુમલો ઈરાનના અબ્બાસ બંદરમાં થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોણ છે તંગસીરી

તંગસીરી ઈરાનના સૌથી શક્તિશાળી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નૌસેનાનું નેતૃત્વ કરતો હતો. તેણે જ હોર્મુઝ ખાડી બંધ કરવાની તમામ જવાબદારી સંભાળી હોવાનો દાવો પણ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. તંગસીરી હોર્મુઝમાં ઈરાનની આક્રમક વ્યૂહરચનાનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો. તે અવારનવાર અમેરિકા અને ઈઝરાયલને દરિયામાં કડક પડકાર ફેંકતા નિવેદનો માટે ચર્ચામાં રહેતો હતો. 

જોકે ઈઝરાયલના આ દાવા છતાં ઈરાન તરફથી હજુ તેમના ટોચના કમાન્ડરની સ્થિતિને લઈ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અબ્બાસ પોર્ટ ઈરાનનો સૌથી મહત્ત્વપૂર્ણ નૌસૈનિક અડ્ડો છે. અહીંથી સમગ્ર ખાડી પર દેખરેખ રાખવામાં આવે છે.

અમેરિકા અને ઈઝરાયલ અત્યાર સુધીમાં ઈરાનના ત્રણ ડઝનથી વધારે સૈન્ય કમાન્ડરોને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ  તણાવ ફરી વધી શકે છે. ઈરાન દ્વારા  ટોચના સૈન્ય અધિકારીના મોતનો બદલો લેવા માટે વળતી કાર્યવાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેનાથી ખાડી દેશો અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમમાં સુરક્ષા સંકટ વધુ ઘેરું બની શકે છે.