અમદાવાદઃ અખા ત્રીજના દિવસે સોના-ચાંદીની ખરીદીનું મહત્ત્વ છે. હાલ સોના-ચાંદીના ભાવ આમ આદમીની પહોંચની બહાર હોવા છતાં રાજ્યમાં અખા ત્રીજના દિવસે 100 કિલો સોનાની ખરીદી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સોનાના ભાવ 1.50 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ હોવાથી મોટાભાગના ગ્રાહકોએ નાની ખરીદી કરી હતી.
દાગીનાના બદલે સિક્કા, લગડી પર કરી પસંદગી
આ વર્ષે સોનું અને ચાંદી ખરીદવા માટે અત્યંત શુભ ગણાતી અખા ત્રીજ રવિવારે આવતી હોવાથી શહેરના મોટાભાગના જ્વેલરી શોરૂમ આખો દિવસ ખુલ્લા રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનાના રેકોર્ડબ્રેક ઊંચા ભાવને કારણે દાગીનાની ખરીદીમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો અને માંગ સાવચેતીભરી રહી હતી. ગ્રાહકોએ ભારે દાગીનાને બદલે મોટાભાગે સિક્કા, લગડી (બાર) અને હળવા વજનના આભૂષણોની પસંદગી કરી હતી.
અમદાવાદમાં કેટલું થયું વેચાણ
સૂત્રોએ જણાવ્યું હતું કે,રવિવારે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1.57 લાખ (પ્લસ GST) હોવાથી, મોટાભાગના ખરીદદારોએ લાઈટવેઈટ જ્વેલરી પસંદ કરી હતી. કુલ વેચાણમાંથી 30-40 કિલો સોનાનું વેચાણ અમદાવાદમાં થયું હતું, જ્યારે બાકીનું વેચાણ સુરત, રાજકોટ, વડોદરા અને અન્ય શહેરોમાં થયું હતું.
ચાંદીનું વેચાણ પણ નોંધપાત્ર રહ્યું
જોકે, બુલિયન ડીલરોનું કહેવું છે કે જ્વેલરીની સરખામણીમાં રોકાણના હેતુથી સિક્કા અને લગડીની માંગ પ્રમાણમાં સારી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે પણ ભાવ ઊંચા રહે છે, ત્યારે ગ્રાહકો નાના યુનિટ અને બુલિયન પ્રોડક્ટ્સ તરફ વળે છે. આ અખા ત્રીજે પણ તેવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. રિટેલરોએ એ પણ નોંધ્યું હતું કે આ વખતે એડવાન્સ બુકિંગ નબળું હતું, જોકે ચાંદીનું વેચાણ પણ સારું રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.