Wed Aug 19 2026

Logo

માત્ર ₹800ની નોકરીથી ₹150 કરોડની કંપની: જાણો પ્રેરણાદાયી યુવા સાહસિક આકાશ રોડેની સંઘર્ષગાથા

2026-07-31 16:32:12
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ઉદ્યોગ શરૂ કરવા માટે થનગનતા યુવાનો માટે એક પ્રેરણાદાયી કિસ્સો છે. સ્ટાર્ટઅપ કરવા માટે જે ઉત્સાહથી યુવાનો માર્કેટમાં આવે છે, પછી પડે છે જેને ઊભા થવામાં વર્ષો નીકળી જાય છે. મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાંથી એક યુવાને યુનિટ શરૂ કરતા જ ખોટનો માર એવો ખાધો કે, સગી માતાએ પણ ઘરમાંથી જાકારો આપી દીધો. એ પછી તે એવા પડકારો આવ્યા કે, તે વિષય પર કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય. વાત છે મહારાષ્ટ્રના આકાશ રોડેની. બાળપણમાં એવી ગરીબી જોઈ કે, પાંચમાં ધોરણ સુધી અભ્યાસ કરીને આગળ ભણવાનું ટાળ્યું. એક કરોડનું દેવું ચૂક્તે કરવા પેટે પાટા બાંધવા પડ્યા. આ કારણે ઘર, શહેર અને બીજુ કેટલુંય છોડવું પડ્યું હતું.

ગરીબીનું ચિત્ર જોયું પણ સાહસ ન છોડ્યું
પુણેના રેલવે સ્ટેશન પર હતો ત્યારે ખિસ્સા ખાલી, ભૂખથી બેહાલ અને શું કરવું એની ખબર ન પડે. પણ આજે આ આકાશ 150 કરોડની કંપનીનો માલિક છે. ઝીરોથી શરૂઆત કરીને, જાત મહેનત કરીને એક એવો અંક ઊભો કર્યો જેની પાછળ કરોડ સુધીના ઝીરો આપોઆપ જોડાતા ગયા, 99 ટેસ્ટ હબ અને અમ્મા ઈડલીના ફાઉન્ડર તરીકે આ જે આકાશનું નામ પહેલા ક્રમે આવે છે. આમ તો આ એક ફ્રેન્ચાઈઝી બિઝનેસ છે પણ જે રીતે આખું નેટવર્ક સેટ કર્યું અને પોતાની સાથે બીજાને પણ કમાતા કર્યા એ જોઈને અનેક લોકો આજે આ સ્ટાર્ટઅપથી પોતાના જીવનનું ગુજરાન ચલાવી રહ્યા છે. મહારાષ્ટ્રના એક નિલંગા ગામે જન્મેલા અને ખેડૂતના પરિવારમાં ઉછરેલા આકાશે બાળપણથી જ ગરીબી કેવી હોય એને બારીકીથી જોઈએ છે. પૈસાની ખેંચ અને વ્યવસ્થાનો અભાવ શું હોય એનો જવાબ આકાશ પાસે જેટલો સચોટ હશે એવો ભાગ્યે જ કોઈ સ્ટાર્ટઅપ વાળા પાસે હશે. પરિસ્થિતિ એવી હતી કે સ્કૂલની દફતર છોડીને કોઈ કચેરીના દફતરમાં જવાની મજબૂરીને સ્વીકારવી પડી. 

માત્ર આટલા પગારમાં પણ ટકી રહ્યા
પહેલો પગાર માત્ર 800 રૂપિયા. દુકાનમાં ઝાડુ મારીને પોતા કરવાનું કામ પહેલું પણ પછી જે સંઘર્ષ યાત્રા શરૂ થઈ એ જોઈને એની સિદ્ધિને રીતસર પોંખવી પડે. કંઈક કરી બતાવવાનું ઝનૂન હોય ત્યારે બાકીની કેટલીક વસ્તુઓ અસર કરતી નથી. આ વાત આકાશે સાચી કરીને બતાવી. હિંમત, ધૈર્ય, ટીમ વર્ક અને પ્રોડક્ટ ક્વોલિટી પર ફોક્સ કરીને એવી વસ્તુઓ આપી, જે આજે અનેક લોકોના ફૂડલીસ્ટમાં પહેલા ક્રમે છે. અહીંયા સુધી પહોંચવા માટે દેવું પણ કર્યું, માતાના દાગીના પણ ગીરવે મૂક્યા પછી એક મોબાઈલની દુકાન ખોલી. પણ અહીંયા ખોટ એવી પડી કે, લીધેલો માલ પણ પડ્યો રહ્યો. દુકાન ઠપ થઈ ગઈ અને કિસ્મત લોક. દેવાના મારે રાતની ઊઁઘ હરામ કરી દીધી હતી. પરિસ્થિતિને સ્વીકારીને ફરી એ જ માલિક પાસે દોડ લગાવી અને હાલાત શું હતા એ કહ્યા. ફરી ત્રણ વર્ષ સુધી ઝાડુ-પોતાનું કામ કર્યું. ટેબલની સાફસફાઈ કરી. પછી એક-એક પૈસો જોડીને પોતાનું દેવું ચૂક્તે કર્યું. આ પછી ફરી એકવાર કાપડની દુકાનમાં રોકાણ કર્યું. દુકાન માંડ થોડી ચાલી ત્યાં કોરોનાનો ડાયનોસોર ભરખી ગયો. સર્જન પૂરૂ ન થયું અને ફરી શુન્ય પર આવીને બધુ ઊભુ રહ્યું. 

ક્રેશ થયેલો બિઝનેસ ફરી ઊભો થયો
કોવિડની મહામારીમાં બધુ કચડાઈ ગયું. ઊભો કરેલો બિઝનેસ ખખડી ગયો.કરોડો રૂપિયાનું દેવું ફરી માથે તાંડવ કરવા લાગ્યું. ચારેય બાજુથી ઠપ થયેલી વસ્તુઓમાં ક્યાંથી શરૂઆત કરવી એ સૂઝતું નહોતું. એક રાત તો એવી વીતી કે, લેણું માગનારા ઘર સુધી આવી ગયા હતા. આવી સ્થિતિથી ભયભીત થયેલી માતાએ ત્યાં સુધી કહી દીધુ કે, ઘરમાંથી નીકળી જા. અન્યથા જાનથી કોઈ મારી નાખશે. ન કોઈ લક્ષ્ય, ન પૈસા, ન કોઈ પ્લાન, ન કોઈ એજન્ડા. પુણેના રેલવે સ્ટેશન પર કલાકો સુધી બેસી રહ્યા બાદ એ વિચાર્યું કે, શું નથી કરવું? સામાન્ય રીતે લોકો શું કરવું છે એ વિચારતા હોય પણ આકાશે શું બિલકુલ નથી કરવું એ વિચાર્યું.એ સમયે એક વડાપાવ વેચનારી આન્ટીએ જે કિક આપી એ આજ સુધી આકાશ ભૂલી શકે એમ નથી. રડતા છોકરાના આ જ આન્ટીએ એક વડાપાંવ ખવડાવ્યું. તૂટી ગયેલી આશામાં જાણે આકાશવાણી રૂપી સૂર્યકિરણ ઝબૂક્યું હોય. 

આન્ટીની એક વાતથી પ્રેરણા મળી
આ આન્ટીએ કહ્યું કે, પગાર ઓછો આપીશ પણ બે ટાઈમના જમવાના થઈ જશે. આ માટેની કોઈ ચિંતા નથી. આ પછી નસીબ એક હોટેલ સુધી લઈ ગયા, જ્યાં વાસણ સાફ કરવાનું પણ કામ કરી લીધું. 800 રૂપિયાની સેલેરીમાંથી 200 રૂપિયા વધારે એક શૅફને આપીને રસોઈના બેઝિક શીખી લીધા. નસીબમાં ખોટ લખી હોય તો કરોડપતિના સેકન્ડ કાંટા પર ઊંધા ફરવા લાગે, આ હોટેલ આખરે બંધ થઈ ગઈ. આ પછી માલિકને આકાશે કહ્યું કે, મને એક ચાન્સ આપો, હું જમવાનું બનાવી આપીશ. આ રસોઈનો સ્વાદ એવો આવ્યો કે, લોકો આંગળીઓ ચાંટતા થઈ ગયા. ₹ 800ની કમાણી ₹ 8,000 સુધી પહોંચી ગઈ. આકાશને એ વાતની ખબર પડી કે, આખરે એક રેસ્ટોરાંમાં એક દિવસ પણ શૅફ ન હોય તો કેટલી મુશ્કેલીઓ ઊભી થાય છે. આ પછી એક એવી પોલિસી તૈયાર કરી કે, વગર કોઈ શૅફ કે રસોયા વગર કેવી રીતે સ્વાદિષ્ટ જમવાનું બનાવી શકાય. આ પછી સેટ થયું શૅફ લેસ કુકિંગ મોડલ. 

પહેલું કાફેએ પણ પાર્ટનરશિપમાં
તેણે એક હોટલ માલિક સાથે ભાગીદારીમાં એક કાફે ખોલ્યું. આકાશે પાણીપુરીના પહેલા વેચાણમાંથી મળેલી ₹100 ની નોટ આજ સુધી સાચવી રાખી છે, તેને ટ્રોફીની જેમ સાચવી રાખી છે. ધંધો સારો ચાલ્યો, પરંતુ માલિકે આખરે તેનું રોકાણ પાછું માંગ્યું કારણ કે, તેને બેંગલુરુ જવાની નોબત આવી. આકાશે હાર ન માની. હોટેલ માલિકને ચૂકવવા માટે સ્થાનિક લોકો પાસેથી પૈસા ઉછીના લીધા, દેવું ચૂકવ્યું અને પોતાની બ્રાન્ડ - '99 ટેસ્ટી હબ' માટે પાયો નાખ્યો. તેનું નામ '99' રાખવામાં આવ્યું કારણ કે કાફે ₹99 વિવિધ ખાદ્ય પદાર્થો ઓફર કરતો હતો. ઓર્ડરનું પ્રમાણ વધ્યું અને મેન્યુઅલ ખોરાક તૈયાર કરવો મુશ્કેલ બન્યો.આ યુવાન - જેણે ફક્ત પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. એ એન્જિનિયરો સાથે મળીને મિનિટોમાં ખોરાક તૈયાર કરી શકે તેવા મશીનો વિકસાવ્યા. 

80 ટકા કામ મશિન દ્વારા થાય છે
આજે, રસોડાના 80 ટકા કામકાજ ઓટોમેટેડ મશીનો દ્વારા કરવામાં આવે છે. હવે તેના ભારતમાં 150થી વધુ ફ્રેન્ચાઇઝ આઉટલેટ્સ છે. તેની કંપનીનું વાર્ષિક ટર્નઓવર ₹ 50 કરોડ છે, અને બ્રાન્ડનું મૂલ્યાંકન ₹ 150 કરોડને વટાવી ગયું છે. તો, આગલી વખતે જ્યારે જીવન તમને પાછળ લઈ જતું હોય એવું લાગતું હોય કે બધું જ ખોવાઈ ગયું લાગે ત્યારે આકાશ રોડેને યાદ કરો - તે છોકરો જેણે ફક્ત પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.