Fri Apr 17 2026

Logo

અજિત પવાર વિમાન દુર્ઘટનાની તપાસ CBI કરશેઃ મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

2026-02-23 19:10:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન ક્રેશની તપાસ સીબીઆઈને સોંપવાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અનુરોધ કરવામાં આવ્યો છે. ફડણવીસે કહ્યું કે ડીજીસીએ અને રાજ્યની સીઆઈડી સાથે સીબીઆઈ મારફત તપાસ કરવામાં આવશે, જેથી તમામ શંકાઓ દૂર થાય.

ગયા મહિને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસનો આદેશ આપવા મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. 

મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રની પૂર્વસંધ્યાએ એક પત્રકાર પરિષદને સંબોધતા ફડણવીસે કહ્યું કે 'મહાયુતિ' સરકાર ખાતરી કરશે કે વિમાન દુર્ઘટના અંગેની તમામ શંકાઓ દૂર થાય. તેમણે કહ્યું, "મને એનસીપી (ભાજપના સાથી પક્ષ) તરફથી વિમાન દુર્ઘટનાની CBI તપાસની માંગણી કરતો પત્ર મળ્યો છે અને મેં ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી છે. સીબીઆઈ ડીજીસીએ (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) અને રાજ્ય સીઆઈડી (ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) સાથે મળીને તપાસ કરશે.

28 જાન્યુઆરીના પુણે જિલ્લાના બારામતી નજીક લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું જેમાં અજિત પવાર અને અન્ય ચાર લોકોના મોત થયા હતા. અજિત પવારના ભત્રીજા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા રોહિત પવારે વિમાન દુર્ઘટનામાં અનેક શંકાઓ વ્યક્ત કરીને અનેક આરોપો લગાવ્યા હતા. 

રોહિત પવારે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામ મોહન નાયડુના રાજીનામાંની માંગ કરી હતી. તેમણે લિયરજેટ 45 વિમાનનું સંચાલન કરતી VSR અને નાયડુ સાથેના તેના કથિત સંબંધો અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

દરમિયાન, ફડણવીસે કહ્યું કે ડીજીસીએ VSR કંપનીનું ઓડિટ કરી રહ્યું છે અને તેની તમામ લોગબુકની તપાસ કરવામાં આવી રહી છે. આપણે તપાસ રિપોર્ટની રાહ જોવી જોઈએ અને અટકળો ટાળવી જોઈએ. 

નિષ્ણાત અધિકારીઓ આ બાબતની તપાસ કરશે. તમામ રાજકીય નેતાઓની સલામતી માટે તપાસને મહત્વપૂર્ણ ગણાવતા, ફડણવીસે કહ્યું કે તેમણે ઘણી વખત VSR વિમાનમાં મુસાફરી કરી છે.