Wed Jun 17 2026

Logo

અજબ ગજબની દુનિયા સેવા કરો તો મળેલા મેવા મીઠા લાગે...

2026-02-18 08:50:03
Author: Mumbai Samachar Team
Article Image

હેન્રી શાસ્ત્રી  

સાત મીંડાં ધરાવતી રકમનું બેન્ક બેલેન્સ હોય, બે-ચાર પ્રોપર્ટી હોય, મહિને પાંચ મીંડાંવાળી બેઠી આવક હોય અને ધનમાંથી ધ્યાન હટી ધર્મ તરફ ફંટાયું હોય ત્યારે ‘મેવા મળે કે ન મળે મારે સેવા તમારી કરવી છે’ સ્તવન સાંભળવું અને ગણગણવું ગમે.

બાકી આજના યુગમાં સેવા (નોકરી-ધંધો કે બીજી કોઈ પ્રવૃત્તિ) કરતી વખતે મેવા મેળવવાની ઝંખના લગભગ બધાને હોય છે. કોઈના નસીબમાં માત્ર સેવા જ લખાણી હોય તો કોઈ મેવા આરોગીને ધરાય નહીં તો કોઈકને અણધાર્યો મહેનતના મેવાનો અનુભવ થાય.

સિંગાપોરની એક કંપનીની સાલગીરાહ નિમિત્તે 10 કે એથી વધુ વર્ષ કામ કરનારા કર્મચારીઓને બક્ષિસમાં 20 ગ્રામ કે એથી વધુ 24 કેરેટ સોનું મઢેલી તકતી બક્ષિસમાં આપી. નોકરીના સમયગાળા અનુસાર સોનામાં વજન વધારો હતો. મતલબ કે 10થી 14 વર્ષ નોકરી કરી હોય એને 20 ગ્રામ સોનું, 15-19 વર્ષ 25 ગ્રામ અને 20 વર્ષથી વધુ થયા હોય તો 30 ગ્રામ. બક્ષિસ આપવામાં આવી એ દિવસે સોનાનો ભાવ પ્રતિ ગ્રામ આશરે 15 હજાર 500 રૂપિયા હતો. 

કંપનીની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર એની શરૂઆત 1994માં રાઈસ સ્ટોલ તરીકે થઈ હતી અને આજની તારીખમાં એની 160 રેસ્ટોરાં અને 30 કોફી શોપ ચાલે છે અને કુલ 1200 કર્મચારી કામ કરે છે. કંપનીના સ્થાપક - અધ્યક્ષના કહેવા અનુસાર કંપનીની સારી-માઠી અવસ્થામાં કંપની સાથે રહેવા બદલ આ શિરપાવ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ સ્ટાફની આ રીતે કદર કરવામાં આવશે. સેવા કરી એટલે મેવા મળ્યા એનો હરખ કર્મચારીઓને હોય એ સ્વાભાવિક છે. 

વિટામિન ’ડી’ જોઈએ છે? વિટામિન ’એમ’ આપી દો ! 

કર્ણાટકનું બેંગલુરુ શહેર આઈટી સેક્ટર માટે ખ્યાતનામ છે તો ભયંકર ટ્રાફિક તેમજ ઘરના આસમાની ભાડા માટે કુ-ખ્યાત પણ છે. ગંજાવર આઈટી કંપનીઓ પ્રોફેશનલ્સને તગડા પે પેકેજ આપતી હોવાથી ફ્લેટ માલિકો કર્મચારીઓ પાસે તોતિંગ રેન્ટ વસૂલ કરી રહી છે. 

તાજેતરમાં બહાર આવેલો કિસ્સો જાણીને આશ્ર્ચર્ય અને આંચકાના કારણે મોઢું ખુલ્લું રહી જાય અને આંખો ચકળવકળ થવા લાગે તો નવાઈ નહીં લાગે. સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં રહેવા ઘર શોધતી કર્મચારી મહિલાએ સ્પષ્ટતા કરી છે કે એક ટુ બીએચકે ફ્લેટનું મહિનાનું ભાડું 80 હજાર રૂપિયા એટલે માગવામાં આવ્યું, કારણ કે ડ્રોઈંગ રૂમમાં સૂર્ય પ્રકાશ ભરપૂર આવતો હતો. 

ફ્લેટના માલિકની દલીલ હતી કે પ્રાકૃતિક પ્રકાશ આ રહેઠાણની ખાસિયત છે. મહિલા આગળ વેધક મુદ્દો રજૂ કરે છે કે અગાઉ જે બાબત મૂળભૂત જરૂરિયાત (જેમ કે હવા-ઉજાસ) ગણાતી હતી એ હવે પ્રીમિયમ એમિનિટી (વિશેષ સગવડ) ગણાય છે. ટૂંકમાં સૂર્ય કિરણોમાંથી મળતા વિટામિન ‘ડી’નો લાભ જોઈતો હોય તો પૈસા-મની, વિટામિન ‘એમ’ રોકડા ગણી આપવા પડે. આ સિવાય હાઉસિંગની સાઈટ પર મૂકવામાં આવેલી વિગતો વાંચી માથાના વાળ ઊભા થઈ જશે. 

4500 સ્કવેર ફીટનો ફોર બીએચકે ફ્લેટ માસિક બે લાખ 30 હજારના ભાડા પર ઉપલબ્ધ છે. એટલું જ નહીં, ડિપોઝિટ પેટે 10 મહિનાનું ભાડું એટલે કે 23 લાખ રૂપિયા માગવામાં આવ્યા છે, બોલો. એક ફ્લેટનો તડકો ધ્રુજાવી દે તો બીજાની ડિપોઝિટ થથરાવી દે.

ચુરા લિયા હૈ તુમને જો દિલ કો...

આમ આદમીનો ઈશ્ક અને રાજા-રાણીના પ્રેમમાં અંતર હોય છે. અલબત્ત ક્યારેક અંતર (દિલ)ની વાત હોય છે તો ક્યારેક અંતર (છેટું) પણ હોય છે. સોળમી સદીના પહેલા દશકમાં ઈંગ્લેન્ડના રાજા બનેલા હેન્રી આઠમા અને રાણી કેથરિનના લગ્નના 24 વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા હતા. ડિવોર્સના ત્રણ વર્ષ બાદ કેથરિનનો દેહાંત થયો અને બીજા દસ વર્ષ પછી હેન્રી આઠમાનો પણ સ્વર્ગવાસ થઈ ગયો. જોકે, આ બંનેના પ્રેમનું પ્રતીક સમું દિલના આકારનું સોનાનું પેન્ડન્ટ મહેલની શોભા અને રાજા-રાણીની ગાથા બની ગયું હતું. અચાનક કોઈના દિલમાં રાવણ જાગ્યો અને એ મહામૂલું પેન્ડન્ટ ચોરાઈ ગયું. લાખ કોશિશ પછી પણ હાથ ન લાગ્યું.

અંદાજે 450 વર્ષ પછી 2019માં ઈંગ્લેન્ડની વોરિકશાયર નામની કાઉન્ટીના એક ખેતરમાં મેટલ ડિટેક્ટરિસ્ટને એ હાથ લાગ્યું. હેન્રી આઠમાના લગ્ન જીવનની આ એકમાત્ર સ્મૃતિ એવું 24 કેરેટનું હાર્ટ પેન્ડન્ટ એક પ્રાઈવેટ કલેક્ટરને વેચાઈ જવાની તૈયારીમાં હતું. એ સમયે બ્રિટિશ મ્યુઝિયમે ટહેલ નાખી અને અનેક બ્રિટિશરોના દિલમાં જીસસ જાગ્યા. 

પરિણામે 35 મિલિયન પાઉન્ડ (આશરે ત્રણ અબજ 30 કરોડ રૂપિયા) એકઠા થયા અને આ પેન્ડન્ટ અંગત માલિકીને બદલે મ્યુઝિયમમાં સહેલાણીઓ માટે નજરાણું બની ગયું. ઈતિહાસની જાળવણી અને સંસ્કૃતિની સાચવણી માટે કેવી અને કેટલી કોશિશ કરવામાં આવતી હોય છે. અજબ દુનિયામાં ગજબ ઘટનાઓ બનતી રહે છે.

75 સેકન્ડની હવાઈ મુસાફરી

વિમાનમાં મુસાફરી કરવી એ એક લ્હાવો જરૂર છે, પણ જો 18-19 કલાકની સળંગ મુસાફરી કરવાની હોય અને લેગસ્પેસ એટલે કે પગ લંબાવી શકવાની મોકળાશ ન હોય તો એ હવાઈ મુસાફરી બહુ આકરી લાગે. હવે આ પરિસ્થિતિમાં પ્લેનમાં બેઠા પછી એકથી સો ગણો ત્યાં ઊતરવાનો સમય આવી જાય તો? તમે હસી પડો અને ગગનમાં ગપ્પુ નહીં મારવાનું એવી ટકોર જરૂર કરી બેશો. અલબત્ત આ જોક નથી, હકીકત છે. બ્રિટનમાં વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે નામના બે ટચૂકડા ટાપુ છે. 

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વની સૌથી ટૂંકા સમયની હવાઈ યાત્રા આ બે સ્થળ વચ્ચે થાય છે. વેસ્ટ્રેથી ઉપડેલા વિમાનને 1.7 માઈલ (2.72 કિલોમીટર)નું અંતર કાપી પાપા વેસ્ટ્રે સુધી પહોંચતા માત્ર એક મિનિટ અને 15 સેકન્ડનો સમય લાગે છે. અનુકૂળ પવન હોય અને વિમાનમાં લગેજ ઓછો હોય તો આ યાત્રા 53 સેકન્ડમાં પૂરી થઈ જાય છે. 

આટલી ટૂંકી હવાઈ મુસાફરી માટે વિમાનનો ઉપયોગ કરવા બદલ ટાપુના રહેવાસીઓની ટીકા થઈ છે, પણ તેમની પાસે રહેલો વીસ મિનિટનો નૌકા સવારીનો પર્યાય જોખમી હોવાથી જરૂરી આવન-જાવન માટે ઉડ્ડયન સિવાય છૂટકો નથી. બે ટાપુ વચ્ચે બ્રિજ બાંધવા વિશે ચર્ચા ઘણી થઈ છે, પણ એ દિશામાં કોઈ નક્કર કામ નથી થયું. 

હવાઈ યાત્રામાં વપરાતા ટચૂકડા વિમાનમાં પાઈલટ અને આઠ મુસાફર ખીચોખીચ બેસી શકે એટલી જ જગ્યા હોય છે. આ વિમાનમાં કોઈ ફેસિલિટી નહીં હોય એનો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે અને જરૂર પણ શું છે? આ બેઠા અને લો,  આ ઉતર્યા...! 

લ્યો કરો વાત 

લાગણી એટલે લાગણી એટલે લાગણી. કેવી, કેટલી અને કોને માટે ક્યારે થાય એ સમજવું મુશ્કેલ હી નહીં નામુમકિન હૈ. સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં પુત્ર માટે પિતાની લાગણી જોઈ અનેક લોકો હચમચી ગયા છે.

ગર્ભશ્રીમંત પિતાએ પુત્રના હેપ્પી બર્થ-ડે નિમિત્તે અઢી કરોડની મોંઘીદાટ કાર આપી. જોકે, કાર ગિફ્ટ કર્યાના થોડા દિવસો પછી પુત્રનું અવસાન થતા પિતાશ્રી ભાંગી પડ્યા. દિલ એ હદે દ્રવી ઉઠ્યું કે કાર દેખાય એટલે દીકરો યાદ આવે અને રડવું આવી જતું. અંતે ડેડીએ જીગરના ટુકડા માટે લીધેલી કાર એની કબરની બાજુમાં જ મોટો ખાડો ખોદાવી એમાં દાટી દીધી. સાથે એની ચાવી પણ ફેંકી દીધી. સાથે તકેદારી રાખી ખાડો એવી રીતે પૂરી દીધો કે કોઈને પણ ખ્યાલ ન આવે કે અહીં કશું દાટ્યું છે. દીકરા માટે ડેડીનું આ પ્રકારનું વ્હાલ જોઈ લોકો લાગણીભીના થયા છે તો ચોંકી જનારા લોકો પણ સામેલ થઈને પૂછે છે: ‘યે કૈસા પ્યાર!’