Sat Sep 05 2026

Logo

બાલીમાં એર ઈન્ડિયાના 40 વર્ષીય પાઇલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

2026-04-29 20:45:42
Author: Mumbai Samachar Team
બાલીમાં એર ઈન્ડિયાના 40 વર્ષીય પાઇલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયાના બાલીમાં એર ઇન્ડિયાના પાઇલટનું આરામ કરતી વખતે હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું હોવાના સમાચાર છે. એરલાઇનના એક અધિકારીના જણાવ્યા અનુસાર ૪૦ વર્ષની ઉંમરના ફર્સ્ટ ઓફિસરે મંગળવારે દિલ્હીથી બાલી માટે ઉડાન ભરી હતી. ફર્સ્ટ ઓફિસર બાલીમાં નિર્ધારિત ક્રૂ રેસ્ટ પર હતા ત્યારે હોટેલમાં તેમણે અચાનક બેચેની અનુભવાતી હોવાની ફરિયાદ કરી હતી.

પ્રવક્તાએ જણાવ્યું કે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તપાસમાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તબીબી ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા.

પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયા પાઇલટના મૃત્યુથી બહુ દુઃખી છે તેમ જ એરલાઇન તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમને શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. આ અંગે તાત્કાલિક વધુ જાણકારી ઉપલબ્ધ નથી.

એરલાઇનના અધિકારીએ જણાવ્યું કે પાઇલટે થોડા મહિના પહેલા નિયમો અનુસાર તમામ જરૂરી તબીબી પરીક્ષણો કર્યા હતા. તેમજ પાઇલટને કોઇ બીમારી નહોતી અને તેઓ ડીજીસીએ દ્વારા નિર્ધારિત ઉડાન-કલાકોની મર્યાદામાં કામ કરી રહ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.