Wed Jun 10 2026

Logo

એર ઈન્ડિયાને 20,000 કરોડનું જંગી નુકસાન, કારણ જાણશો તો ચોંકી જશો

2026-04-15 16:09:05
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશની હવાઈ ક્ષેત્રની સૌથી મોટી કંપની એર ઈન્ડિયાનું નામ અકસ્માતોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ હવે નાણાકીય સ્થિતિ કથળી હોવાના અહેવાલને કારણે ચર્ચામાં આવી છે. કંપનીના રિપોર્ટ અનુસાર 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીને લગભગ 20,000 કરોડ રુપિયાનું જંગી નુકસાન થયું હતું. કંપનીને થયેલા નુકસાન માટે ચોંકાવનારા કારણ આપવામાં આવ્યા છે, જે પૈકી પહેલું તો અમદાવાદ પ્લેન અકસ્માત છે. કંપનીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કંપનીની અપેક્ષા કરતા પણ વધુ નુકસાન છે. એર ઈન્ડિયાએ અગાઉ 1.6 અબજ ડોલરની અપેક્ષા વ્યક્ત કરી હતી, પરંતુ એ વધુ છે. કંપનીને થયેલા જંગી નુકસાનને કારણે હવે પોતાના શેરધારકો પાસેથી નાણાકીય મદદ માટે અપીલ કરી છે.

શા માટે થયું આટલું જંગી નુકસાન

એર ઈન્ડિયાને થયેલા જંગી નુકસાન માટે સૌથી મોટું કારણ અમદાવાદ પ્લેન ક્રેશ આગળ ધરવામાં આવ્યું છે. જૂન, 2025માં એક બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનને અકસ્માત થયો હતો, જેમાં 240થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતને કારણે કંપનીને સૌથી મોટો ફટકો પડ્યો હતો, જેના ભાગરુપે કંપનીએ સૌથી પહેલા ઈન્ટરનેશનલ અને સ્થાનિક ક્ષેત્રે સેવામાં પણ ઘટાડો કરવો પડ્યો હતો.

એના સિવાય પાકિસ્તાન દ્વારા પોતાની એર સ્પેસ બંધ કરવા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એર ઈન્ડિયાને અમેરિકા અને યુરોપના સૌથી લાંબા અને મોંઘા રુટ અપનાવવા પડ્યાં હતા. મધ્ય પૂર્વ ક્ષેત્રમાં એર ઈન્ડિયાની કુલ ક્ષમતાનો 16 ટકા હિસ્સો છે, જે યુદ્ધના કારણે ઠપ પડ્યો છે. આ ઉપરાંત, એર ફ્યુઅલના ભાવમાં પણ ખર્ચ અને ભાવમાં વધારો થયો છે.

નાણાકીય કટોકટીમાંથી ઉગારવાની અપીલ

એર ઈન્ડિયાને થયેલા જંગી નુકસાનમાંથી ઉગારવા માટે એર ઈન્ડિયાના મુખ્ય શેરધારક ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ (25.1 ટકાની ભાગીદારી) દ્વારા ફંડ ફાળવવાની ચર્ચા પણ ચાલી રહી છે. જોકે, આ ફંડ પણ મૂળ જરુરિયાત કરતા પણ ઓછી હશે. આ સંજોગોમાં એર ઈન્ડિયાને અન્ય ફાઈનાન્શિયલ ઓપ્શન પણ શોધી રહી છે.

નેતૃત્વ અને સુરક્ષાની બાબતમાં પણ પડકારો

એર ઈન્ડિયાને નુકસાનની સાથે સાથે કંપનીના નેતૃ્ત્વના પડકારોથી પણ ઝઝૂમી રહી છે. સીઈઓ કેમ્પેબલ વિલ્સન પણ આ વર્ષના અંત સુધીમાં પોતાનો હોદ્દો છોડવાની જાહેરાત કરી હતી. એના સિવાય ડીજીસીએ પણ ઓડિટમાં સુરક્ષા સંબંધિત મુદ્દાને લઈ એર ઈન્ડિયાને સૌથી ખરાબ રેન્કિંગ પણ આપ્યું છે, જે કંપની માટે સૌથી મોટો ફટકો છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અગાઉ ભારત પર લગાવવામાં આવેલા ટેરિફ અને વિદેશી કર્મચારીઓ પરના વિઝા મુદ્દે કડક નીતિને કારણે એરલાઈનની આવક પર પણ અસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.