ચેન્નઈઃ વિજય મુખ્યમંત્રી બનતાં જ AIADMKમાં ભંગાણ પડ્યું છે. 30 ધારાસભ્યોની વિજયને ટેકાની જાહેરાતથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તમિલનાડુ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા AIADMK અને AMMKના ધારાસભ્યોએ ટીવીકને સપોર્ટ આપવાની વાત કરી છે.
AIADMKના વરિષ્ઠ નેતા સી.વી. શણમુગમના નેતૃત્વમાં પાર્ટીના 30 ધારાસભ્યોએ TVKને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ, ટીટીવી દિનાકરણની પાર્ટી AMMKના ધારાસભ્ય કામરાજે પણ કહ્યું છે કે તેઓ વિજય સરકારને સમર્થન આપશે.
મુખ્ય પ્રધાન વિજયે બુધવારે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાની છે. TVKએ 107 બેઠકો કોંગ્રેસની 5 બેઠકો, ડાબેરી પક્ષોની બે-બે બેઠકો, VCK અને મુસ્લિમ લીગની બે-બે બેઠકોના સહયોગથી સરકાર બનાવી છે. હવે AIADMKના 30 ધારાસભ્યો સાથે આવવાથી વિજય સરકાર વધુ મજબૂત બની છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત દેખાઈ રહી છે.
AIADMKમાં ભંગાણ?
ટીવીકે (TVK) ને સમર્થન આપવા બાબતે સી.વી. શણમુગમે જણાવ્યું હતું કે, તેમનો ઈરાદો પાર્ટીમાં ભંગાણ પાડવાનો નથી, પરંતુ તેઓ જનતાના જનાદેશનું સન્માન કરી રહ્યા છે. તેમણે કહ્યું, જનતાએ વિજયને મુખ્ય પ્રધાન બનાવવા માટે વોટ આપ્યો છે અને અમે તે જનાદેશનું સન્માન કરીએ છીએ.
તાજેતરમાં જાહેર થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં AIADMKને માત્ર 47 સીટ મળી હતી. હવે 30 ધારાસભ્યોએ ટીવીકેને સમર્થન આપ્યા બાદ માત્ર 17 ધારાસભ્યો જ રહ્યા છે. શનમુગમે જણાવ્યું કે, ધારાસભ્યોએ એસ પી વેલુમણિને ધારાસભ્ય દળના નેતા અને જી હરિને ઉપનેતા પસંદ કર્યા છે. આ ઉપરાંત કહ્યું કે, AIADMKની સ્થાપના જ DMK જેવા અસુરી શક્તિને હરાવવા થઈ હતી. જો અમે તેમની સાથે હાથ મિલાવત તો અમારી પાર્ટી ખતમ થઈ જાત. અમારા ધારાસભ્યો અને કાર્યકર્તા તેની વિરુદ્ધમાં છે.