વિદેશની સાથે સાથે આપણે ત્યાં સુધ્ધાં હિન્દી અને અન્ય ભાષામાં AIના ઉપયોગથી ફિલ્મ બનાવવાની કોશિશ જોવા મળી રહી છે
હેન્રી શાસ્ત્રી
‘નાઈશા’માં સંગીત માનવ નિર્મિત છે
‘લવ યુ’માં મનુષ્યની બાદબાકી છે
એકવીસમી સદી ટેકનોલોજીના પ્રભુત્વની સદી તરીકે પણ ગણવામાં આવશે એ હદે એનો પગપેસારો થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ -AI મનુષ્ય જીવનમાં દાખલ થઈ એનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. આ સદીના ત્રીજા દાયકામાં ચિત્રપટ સૃષ્ટિમાં એની હાજરી ભલે નજીવી, પણ વર્તાઈ રહી છે એ નોંધવા જેવી હકીકત છે.
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ફિલ્મમેંકિંગમાં AI કઈ રીતે અને કેવું નજરે પડ્યું એના કેટલાક ઉદાહરણ જોઈએ.
નાઈશા (2025): ગયા વર્ષે મે મહિનામાં રિલીઝ કરવામાં આવેલી ‘નાઈશા’ બોલિવૂડની પ્રથમ AI ફિલ્મ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2024માં આવેલી ‘તિકડમ’ના દિગ્દર્શક અને ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થયેલી રિશી કપૂરની ‘રાજમા ચાવલ’ના સહ લેખક વિવેક આંચલિયાની ફિલ્મમાં વિઝ્યુઅલ્સ અને કેરેક્ટર્સ સહિત લગભગ દરેક બાબત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી રજૂ થયા હતા, પણ એમાં ફિલ્મ સંગીત માનવ નિર્મિત હતું. આવા નિર્ણયનું કારણ આપતા વિવેકએ જણાવ્યું કે ‘મારી ફિલ્મમાં સંગીતનું મહત્ત્વ વિશેષ છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવતા મ્યુઝિકથી લાગણી - ભાવના પ્રભાવીપણે વ્યક્ત થાય કે નહીં હું નથી જાણતો. સાચું કહું તો મને સંગીતમાં બહુ ગતાગમ નથી પડતી. મેં ટેક્નોલોજીની સહાયથી સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન ડિઝાઈન, કોસ્ચ્યુમ ડિઝાઈન, એડિટિંગ વગેરે કર્યું છે. સંગીતમાં ચાંચ ન ડૂબતી હોવાથી દૂર રહ્યો છું અને એટલે જ ‘નાઈશા’માં માનવ રચિત ગીત - સંગીત છે.
લવ યુ (2025): ગયા વર્ષે બનેલી 95 મિનિટની આ કન્નડ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવેલી AIથી બનેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે. વાર્તાનાં પાત્રો, 12 ગીત, ડાયલોગ, લિપ સિંક તેમજ કેમેરા મુવમેન્ટ સહિત ફિલ્મનો પ્રત્યેક વિભાગ AIની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. મનુષ્ય હાજરીની સંપૂર્ણ બાદબાકી. ટૂંકમાં કહીએ તો માનવીય એક્ટર, સંગીતકાર, કેમેરામેન ઈત્યાદિ ગેરહાજર... તો પછી હાજર કોણ?
આ અનોખું ચિત્રપટ બનાવવાનું સપનું સાકર કરવા કોશિશ કરતા અલાયદા બે જણ અને હા, સંખ્યાબંધ કોડ. કોડ એટલે AI મોડલ્સને શું કરવું એ સમજાવતી ટેકનિકલ ભાષા. ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરીકે ઓળખાતા સેન્સર બોર્ડે એને યુ/એ સર્ટિફિકેટ (મતલબ કે 12 વર્ષથી નાની ઉંમરનાં બાળકો સાથે પેરેન્ટ્સની હાજરી અનિવાર્ય) આપવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતા - દિગ્દર્શક છે નરસિમ્હા મૂર્તિ, જે દિવસ દરમિયાન મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે. માત્ર 10 લાખ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા છે. આ કેવળ ફિલ્મ મેકિંગનો એક નવતર પ્રયોગ નથી, બલકે ભવિષ્યમાં સિનેમા કેવી રીતે બનશે એનું ટ્રેલર છે- એના એંધાણ છે એની એની અદ્ભુત ઝાંખી છે.
બેંગલુરુના એક મંદિરમાં પૂજારીની ફરજ અદા કરતા મિસ્ટર મૂર્તિ માટે સિને જગત નવું નથી. તેમણે બે ફિલ્મ ડિરેક્ટ કરી છે. અલબત્ત, આ વખતે મોટી છલાંગ મારી ફિલ્મમેકિંગમાં ટેક્નોલોજીનું મિશ્રણ કરી અનોખું સાહસ કર્યું છે.
જોકે, આ ફિલ્મના પડદા પાછળ ખરી કમાલ કરી છે નૂતન નામની મહિલાની. નૂતન એલએલબી ગ્રેજ્યુએટ છે પણ વકીલાતને બદલે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એડિટરનો અનુભવ ધરાવે છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સમાં રુચિ ધરાવતી એ મહિલાએ એનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે. ફિલ્મ મેકિંગ દરમિયાન દરેક ટેકનિકલ બાબત જેમ કે પાત્રનું એનિમેશન, કેમેરા મુવમેન્ટ, મ્યુઝિક કમ્પોઝિશન વગેરે પાસાને AIની મદદથી તૈયાર કરવામાં એનું મુખ્ય યોગદાન રહ્યું.
IRaH - The Immortality App (2024): આ ફિલ્મ AI-આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી તૈયાર નહોતી કરવામાં આવી, બલકે એના પર આધારિત છે. બ્રિટિશ - ઈન્ડિયન સહયોગથી અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયાર થયેલી આ ફિલ્મમાં AIને કારણે પેદા થઈ શકતા જોખમો અને જાગતી સંભાવનાઓ તેમજ માનવ જીવન પર એના પડનારા પ્રભાવ વિશે વાત કરવામાં આવી છે. સાયન્સ ફિક્શન - થ્રિલર તરીકે રજૂ કરેલા આ ચિત્રપટમાં રોહિત રોય, રાજેશ શર્મા, કરિશ્મા કોટક અને અન્ય કલાકાર હતા. ફિલ્મની કથા રસપ્રદ છે.
હરિ સિંહ (રોનિત રોય) નામનો ટેક્નોલોજી કિંગ એક ‘ઈમમોર્ટાલીટી ઍપ’ (અમરત્વ પ્રદાન કરતી એપ્લિકેશન) તૈયાર કરી એના એક્સક્લુઝિવ રાઈટ્સ વેરની આગમાં બદલો લેવા તડપતા વિવિધ લોકોને વેચે છે. મજા તો એ વાતની આવે છે કે એના જ અમુક પાર્ટનર/કર્મચારી પણ હરિ સિંહને પાઠ ભણાવવા ઉત્સુક છે. જોકે, ફિલ્મ એટલી હદે ટેકનિકલ બની ગઈ કે દર્શકો વિષય સમજી ન શક્યા અને નબળી પટકથા, નબળું દિગ્દર્શન અને સામાન્ય અભિનયને લીધે દર્શકોએ પીઠ દેખાડી દીધી.
આ સિવાય ‘મુંબઈ સમાચાર’માં અગાઉ વિગતે ઉલ્લેખ થઈ ચુક્યો છે એ AIની મદદથી તૈયાર કરવામાં આવેલી અભિનેત્રી ટિલી નોરવૂડની AI Commissioner(2025) ફિલ્મની વાર્તાનું લખાણ પણ ChatGPT (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્ટ ચેટબોટ જે મનુષ્યની ભાષા સમજી માનવીની જેમ વાર્તાલાપ કરી શકે છે અને તમારા મનમાં ઉઠતા સવાલોનો વિગતવાર જવાબ આપવા ઉપરાંત લેખ, કવિતા, અનુવાદ જેવા કામ કરી શકે છે)ના માધ્યમથી કરવામાં આવ્યું હતું. ચીનમાં તો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો આશરો લઈ Chinese AI Microdramas તરીકે ઓળખાતા ઢગલામોઢે સર્જન થઈ રહ્યાં છે. ચેટજીપીટીનું આગમન નવેમ્બર 2022માં થયું અને એ પછી એક જ મહિનાની અંદર he Safe Zone (2022)નામની શોર્ટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું સંપૂર્ણ બંધારણ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરવામાં આવ્યું હતું.
કેટલાક હોંશીલા સર્જકોએ ટેક્નોલોજીના વિવિધ સાધનો (AI tools)ની મદદથી શોર્ટ ફિલ્મો પણ બનાવી છે, જેમાં Discarded Companion (2026), Wonderful Dream (2025), LYRA (2025), The Lioness of Bharat A Legend Reborn (2024)
ટૂંકમાં ફિલ્મ જગતમાં તો મશીન માણસ પર પ્રભુત્વ પ્રાપ્ત કરે એવો પ્રયાસ માનવી દ્વારા નાના પાયે શરૂ થઈ જ ગયો છે.