Wed Jun 10 2026

Logo

અમદાવાદમાં હવે એસટી અને લક્ઝરી બસો નહીં પ્રવેશી શકે, રિંગ રોડ પર જ લાગી શકે છે બ્રેક!

2026-02-22 10:18:00
Author: Tejas Rajpara
Article Image

અમદાવાદ: ભારે વાહનોની અવરજવરને કારણે અમદાવાદમાં થતા ટ્રાફિકને અટકાવવા માટે અમદાવાદમાં ટ્રાફિક અંગેના નવા અનિયમો લાગુ થવાના સંકેત છે. અમદાવાદના મોબિલિટી પ્લાન નવેસરથી તૈયાર કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે, જેમાં એસટી (GSRTC) અને ખાનગી લક્ઝરી બસો સહિતના ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના છે. આ પહેલનો ઉદેશ્ય શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણનું નિયંત્રણ કરવું છે. 

મળતી વિગતો અનુસાર,  શહેરી વિકાસ અને શહેરી આવાસ રાજ્ય પ્રધાન દર્શનાબેન વાઘેલાએ 'AmdavadNxt' પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૦માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને આ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં અમદાવાદમાં દરરોજ અંદાજે ૭,૦૦૦ જેટલી બસોની અવરજવર રહે છે. નવી યોજના મુજબ, રિંગ રોડને ભારે વાહનો માટેનો અંતિમ એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવશે. બહારથી આવતી તમામ બસો રિંગ રોડ પર જ અટકાવી દેવામાં આવશે અને ત્યાંથી શહેરની અંદર તેમના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ રહેશે.

મુસાફરોની સુવિધા માટે શહેરની જાહેર પરિવહન સેવાઓ જેવી કે AMTS, BRTS અને મેટ્રો સાથે સાંકળવામાં આવશે. મુસાફરોએ રિંગ રોડ પર ઉતરીને શહેરના અંદરના ભાગોમાં જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો પડશે. તેમણે નાગરિકોને પણ વિનંતી કરી છે કે તેઓ ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરે. આ ઉપરાંત, બીજા રિંગ રોડ, લોજિસ્ટિક્સ પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણ જેવા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પર પણ સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

વધારાના મુખ્ય સચિવ એમ. થેન્નારસને માહિતી આપી હતી કે ૨૦૩૦ની ગેમ્સ માટે બિડિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં એરપોર્ટ અને ગિફ્ટ સિટી સુધી નવી ચાર મેટ્રો લાઈનો લંબાવવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ અને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) દ્વારા કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને અમદાવાદ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો, જેથી ભવિષ્યમાં અમદાવાદની કનેક્ટિવિટી વધુ મજબૂત અને ઝડપી બને.