Sat Sep 05 2026

Logo

ટ્રાફિક ડ્રાઈવમાં એક અઠવાડિયામાં 22,000 વાહનચાલક દંડાયા...

2026-03-04 16:45:51
Author: Pooja Shah
ટ્રાફિક ડ્રાઈવમાં એક અઠવાડિયામાં 22,000 વાહનચાલક દંડાયા...

AI-Generated Image


અમદાવાદઃ અમદાવાદમાં વધતા રોડ એક્સિડેન્ટ્સ અને ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ થતો હોય, ટ્રાફિક પોલીસે એક અઠવાડિયા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. એક અઠવાડિયા દરમિયાન કુલ 22,823 વાહનચાલકને ટ્રાફિકના નિયમો બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ રૂ.1.47 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પોલીસે 232 વાહનને પણ જપ્ત કર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

૨૫ ફેબ્રુઆરીના રોજ શરૂ કરાયેલી આ ખાસ ઝુંબેશમાં દારૂ પીને વાહન ચલાવવા, મર્યાદાથી વધુ મુસાફરો ભરવા, ખોટી બાજુએ વાહન ચલાવવા, નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મનો ઉપયોગ, હેલ્મેટ વગર વાહન ચલાવવા, ગેરકાયદે એલઈડી લાઇટ અને રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ જેવા નિયમોના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 50% કેસ હેલ્મેટ વગર વાહન ચલાવવાના હતા. આ ઝુંબેશ દરમિયાન પોલીસે હેલ્મેટ ન પહેરવા બદલ 10,363 વાહનચાલક પાસેથી 52.09 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ઇ-મેમો ભરવાનો ઇનકાર કરતા સાત વાહનોને જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

આ ઝુંબેશમાં ગેરકાયદે પાર્કિંગના 8,311 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ 48.33 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ખોટી બાજુએ વાહન ચલાવવા બદલ 1,844 વાહનચાલકને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેના પરિણામે 35.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પોલીસે દારૂ પીને વાહન ચલાવવાના 73 કેસ નોંધ્યા હતા, 32 વાહનોને જપ્ત કરવામા આવ્યા હતા.  જ્યારે વધુ મુસાફરો વહન કરવા બદલ 488 કેસ નોંધાયા હતા. નંબર પ્લેટ વગરના 1,204 વાહનો, બ્લેક ફિલ્મવાળા 515 વાહન અને ગેરકાયદે એલઈડી લાઇટ લગાવેલા 25 વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઝૂંબેશ હજૂ 10મી માર્ચ સુધી ચાલશે.