અમદાવાદઃ શહેરમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો બગીચો બનશે. આ બગીચો કમળ આકારનો હશે. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોના ફૂલ ખીલશે. ઉપરાંત ફ્લાવર મ્યુઝિયમ અને ગ્લો ગાર્ડન પણ બનાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂઆતમાં આ પ્રોજેક્ટ માટે ₹20 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જે હવે વધીને ₹120 કરોડ પર પહોંચી ગયું છે. આ બગીચો અગાઉ જાહેર કર્યા મુજબ એસ જી હાઈવે પર નહીં પરંતુ શેલામાં કલબ o7 રોડ પર બનાવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ 6 ફેબ્રુઆરી 2024ના રોજ મંજૂર કરાયેલા 2024-25ના બજેટમાં એસ.જી.હાઈવે પર બગીચા માટે ₹20 કરોડની ફાળવણી કરી હતી. તેને લોટ્સ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા નામ આપવાનું નક્કી થયું હતું. તેની સંકલ્પના એવી હતી કે કમળના આકારના આ બગીચામાં ભારતના દરેક રાજ્યના રાજ્ય ફૂલોને પ્રદર્શિત કરવામાં આવશે. જે બાદ 2025-26ના બજેટમાં વધારાના ₹20 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ત્યારથી આ પ્રોજેક્ટનું સ્થળ બદલાયું છે અને ખર્ચ વણ વધીને ₹120 કરોડ થઈ ગયો છે, જે મૂળ કલ્પના કરતા છ ગણો વધારે છે.
લોટ્સ પાર્ક પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
આ બગીચો શેલામાં ધાતલા તલાવડી પાસે 37,033 ચોરસ મીટર જમીન પર બનશે.
તેમાં ક્લબ O7 રોડથી 30 મીટરનો પ્રવેશદ્વાર હશે.
પ્લોટના 40% ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે, જેની મહત્તમ ઊંચાઈ 45 મીટર હશે.
બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે.
મુલાકાતીઓ પાસેથી એન્ટ્રી ફી લેવામાં આવશે.
બાજુના પ્લોટમાં 'ગ્લો ગાર્ડન' બનાવવાનું પણ આયોજન છે.
વિવાદોના વમળમાં પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ જે પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય રીતે વિવિધ પ્રોજેક્ટ્સ માટે 5 વર્ષની મુદત માટે આર્કિટેક્ટ્સની પેનલ રાખે છે, પરંતુ આ પ્રોજેક્ટ માટે પેનલની બહારના જ એક કન્સલ્ટન્ટની નિમણૂક કોઈ પણ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા વગર કરવામાં આવી હતી. વધુમાં, પેનલના આર્કિટેક્ટ્સ ઓછા દરે ઉપલબ્ધ હોવા છતાં, આ કન્સલ્ટન્ટને વધુ ફી પર રાખવામાં આવ્યા છે.
બાંધકામના ટેન્ડરિંગમાં પણ વિવાદ જોવા મળ્યો છે. પ્રથમ ટેન્ડર 14 નવેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, જેની છેલ્લી તારીખ 8 ડિસેમ્બર, 2025 હતી. જેમાં માત્ર બે કંપનીઓએ પ્રતિસાદ આપ્યો હતો, જેમાંથી એક ટેકનિકલ રીતે અયોગ્ય ઠરતા ફરીથી ટેન્ડર બહાર પાડવું પડ્યું હતું. બીજી વારનું ટેન્ડર 9 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં 20 ફેબ્રુઆરી સુધીની જ મુદ્દત અપાઈ હતી. એટલે કે ₹120 કરોડના કોન્ટ્રાક્ટ માટે બિડર્સને માત્ર 12 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પ્રી-બિડ મીટિંગમાં મુદત વધારવાની વિનંતી કરનાર કંપનીને નકારી કાઢવામાં આવી હતી. આ પ્રોજેક્ટના રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ની પણ હજુ સુધી ખરાઈ કરવામાં આવી નથી.