Thu Jun 18 2026

Logo

અમદાવાદની SVP હોસ્પિટ લવિવાદમાંઃ મહિલાના મોત પછી પુત્રીએ ડોક્ટર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

2026-03-05 16:12:55
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: શહેરમાં કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે નિર્મિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગણાતી SVP હોસ્પિટલ હાલ ગંભીર વિવાદોમાં સપડાઈ છે. સામાન્ય રીતે મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ ગણાતી આ હોસ્પિટલની વ્યવસ્થા સામે એક પીડિત યુવતીએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના ડોક્ટરોની કથિત બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે થતી હેરાનગતિના આક્ષેપોને કારણે સરકારી આરોગ્ય તંત્રની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

શું છે સમગ્ર ઘટના? 

આ વિવાદની શરૂઆત ક્ષિતિશા સોની નામની યુવતીના વાયરલ વીડિયોથી થઈ છે. ક્ષિતિશાની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની સારવાર માટે ગત 21 તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
જનરલ વોર્ડમાં થોડા દિવસની સારવાર બાદ ડોક્ટરોએ 'બ્રોન્કોસ્કોપી' કરવાની સલાહ આપી હતી, જે દરમિયાન ગીરાબેનની તબિયત લથડી અને તેમને અસ્થમાનો એટેક આવ્યો હતો. કમનસીબે ગઈકાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન તેમનું અવસાન થતા પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

આયુષ્માન કાર્ડના નામે અખતરા

ક્ષિતિશાએ રડતા અવાજે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલના ડોક્ટરો માત્ર આયુષ્માન કાર્ડ હોવાને કારણે દર્દી પર નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. તેના જણાવ્યા મુજબ દરરોજ નવા કાગળો પર સહીઓ કરાવીને ક્યારેક હૃદય તો ક્યારેક લિવર-કિડની ડેમેજ હોવાનું કહીને ડરાવવામાં આવતા હતા. 

યોગ્ય સારવારના અભાવે માતાની આંખો કાળી પડી ગઈ હતી અને હાથ બાંધી દેવામાં આવ્યા હતા. નસો પંચર થઈ જવાને કારણે ઇન્જેક્શન આપવા માટે ગળાના ભાગે છેદ પાડવાની ફરજ પડી હતી, જે ડોક્ટરોની અણઆવડત સૂચવે છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ હોસ્પિટલ તંત્ર અને કોર્પોરેશનમાં દોડધામ મચી ગઈ છે. લોકોમાં વધતા રોષને જોઈને SVP હોસ્પિટલના CEO દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપવામાં આવ્યા છે. 

સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું છે કે આ મામલે યોગ્ય તપાસ કરી જે પણ જવાબદાર જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, એક તરફ સરકાર સર્વશ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓથી જનતાનો સરકારી હોસ્પિટલો પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.