અમદાવાદઃ સામાન્ય રીતે શ્વાન અને વાનરોથી લોકો ડરતા હોય છે અને તેમના કરડવાના કિસ્સાઓ રોજ છાપે છપાતા હોય છે, પરંતુ અમદાવાદમાં બિલાડી કરડવાના કિસ્સાઓમાં 155 ટકાનો વધારો નોંધાયો હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ના ડેટા અનુસાર, 2025 અને 2026 ના પ્રથમ ત્રણ મહિનાના સમયગાળાની સરખામણીમાં શ્વાન કરડવાના કેસમાં 20.8% નો વધારો, વાનરોના કરડવાના કેસમાં 44.7% નો ચિંતાજનક વધારો થયો છે. આ સાથે ચોંકાવનારી વાત એ છે કે બિલાડીના કરડવાના કેસમાં 155.7% નો જંગી વધારો જોવા મળ્યો છે.
જાન્યુઆરી 2025 માં શ્વાન કરડવાના કેસ 7,453 થી વધીને આ વર્ષે જાન્યુઆરીમાં 8,354 થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 6,278 કેસ નોંધાયા હતા; ફેબ્રુઆરી 2026 માં આ સંખ્યા 7,753 હતી. માર્ચ 2025 માં 6,384 કેસ હતા તે વધીને આ વર્ષે માર્ચમાં 8,186 થયા છે. શ્વાન કરડવાના કુલ આંકડા જાન્યુઆરી-માર્ચ 2025 દરમિયાન 20,115 અને આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન 24,293 થયા છે. આ સાથે વાંદરાના કરડવાના કેસ ૧૫૯ થી વધીને ૨૩૦ થયા છે અને બિલાડીઓના કરડવાના કેસ ૬૫૫ થી વધીને ૧,૬૭૫ થયા છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર 2020 થી શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે કારણ કે બોપલ, ઘુમા, કઠવાડા અને નાના ચિલોડા જેવા નવા વિસ્તારો હદમાં ઉમેરવામાં આવ્યા છે. સમગ્ર 2020 દરમિયાન લગભગ 50,000 થી વધીને 2025 માં શ્વાન કરડવાના કેસ 77,000 થી વધુ થયા છે. બિલાડી કરડવાના કેસ 2020 માં 663 થી વધીને 2025 માં 4,770 થયા છે અને વાનરો કરડવાના કેસ 2020 માં 229 થી વધીને 2025 માં 673 થયા છે.
નિષ્ણાતો કહે છે કે બિલાડી વિશે લોકો ઓછું જાણે છે. તે ખૂબ જ ઓછા સમયમાં એક્શનમાં આવી જાય છે. નખ કે દાંત ભરાવે છે અને ઘણીવાર તે વ્યક્તિ સાથે પોતાની જાતને ઘસતી હોય છે ત્યારે તે પ્રેમ નથી બતાવતી, પણ પોતાની રૂંવાડીઓ ટ્રાન્ફર કરે છે.