અમદાવાદઃ સિંધુભવન રોડ પર આવેલા એક જાણીતા કેફેમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં કેફેમાં આવેલા ગ્રાહકને આપેલા ગાર્લિક બ્રેડમાં મરી ગયેલી માખી હોવાનું જાણવા મળતા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. ગાર્લિક બ્રેડમાં માખી જોતાની સાથે જ ગ્રાહકે તુરંત ફરિયાદ કરી હતી, જેમાં પછી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી અને કેફે પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર હકીકત.
મેનેજરે આ મામલાને રફેદફે કરવાનો કર્યો પ્રયાસ
અમદાવાદના શાહીબાગમાં રહેતો એક વ્યક્તિ સિંધુભવન રોડ પરના આ કેફેમાં જાય છે, તેણે 850 રૂપિયાના ગાર્લિક બ્રેડનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે તેમાં મરેલી માખી મળી આવી હતી. જેથી ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી હતી. ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી તો મેનેજરે આ મામલાને રફેદફે કરવાનો પ્રયત્ન કરતા કૉમ્પ્લિમેન્ટરી પેસ્ટ્રી આપવાનું કહ્યું હતું. જોકે, ગ્રાહકે તેની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ ગાર્લિક બ્રેડમાં માખી મળી આવી તેનો ફોટો અને વીડિયો પણ બનાવી લીધો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે.
કેફેને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
આ મામલે મહાનગરપાલિકાએ જણાવ્યું કે 18 માર્ચે આ ફરિયાદ મળી હતી. ફરિયાદ મળ્યાં પછી ફૂડ સેફ્ટી વિભાગના સીનિયર ફૂડ સેફ્ટી ઑફિસરે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કેફેના લાઇસન્સ, સ્વચ્છતા અને ગુણવત્તા પર ખામી મળી આવતા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે ગાર્લિક બ્રેડ અને કુકિંગ ઑઇલના સેમ્પલ લેબમાં મોકલ્યાં છે. હવે તેમાં જો કોઈ ક્ષતિ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મોંઘા કેફેમાં પણ સ્વચ્છતા અને ગુણવત્તા પર સવાલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો મોંઘા કેફેમાં પણ સ્વચ્છતા અને ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, થોડી દિવસ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ આવી હતી ત્યારે કેટલાક ક્રિકેટરો આ જ કેફેમાં આવ્યાં હોવાની પણ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. આવી મોંઘા કેફેમાં પણ જો સ્વચ્છતા ના જળવાતી હોય તે ખરેખર ચિંતાનો વિષય છે.