Tue Aug 25 2026

Logo

અમદાવાદના SG હાઈવે પર બ્રિજનું પતરું રિક્ષા પર પડતા શ્રમિકનું મોત, અન્ય લોકોને ઇજા

2026-05-03 14:03:00
Author: Devayat Khatana
અમદાવાદના SG હાઈવે પર બ્રિજનું પતરું રિક્ષા પર પડતા શ્રમિકનું મોત, અન્ય લોકોને ઇજા

અમદાવાદ: શહેરના વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર YMCA ક્લબ નજીક નિર્માણધીન બ્રિજની સાઈટ પર આજે એક કમકમાટીભરી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના કામકાજ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલા ભારે લોખંડના પતરા અચાનક ચાલુ રિક્ષા પર પડતા એક શ્રમિકનું કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, આ રિક્ષામાં બિહારથી મજૂરી અર્થે અમદાવાદ આવેલા શ્રમિકો સવાર હતા. વૈષ્ણોદેવીથી સનાથલ તરફ જઈ રહેલી આ રિક્ષા પર અચાનક પતરું પડતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર અજય નામના યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણથી ચાર મુસાફરોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિક્ષાની આગળથી એક બસ પસાર થઈ ત્યારે તેના પવનના વેગને કારણે અયોગ્ય રીતે લગાવેલું આ પતરું ઉખડીને રિક્ષા પર પડ્યું હતું.

આ સમગ્ર ઘટનાએ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. નિયમ મુજબ બાંધકામની સાઈટ પર સુરક્ષાના કડક માપદંડો હોવા જોઈએ, પરંતુ અહીં ડાયવર્ઝન માટે મુકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ કરવામાં આવ્યા ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ લાલિયાવાડી હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ લેશે? હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.