અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા એક વિવાદાસ્પદ કામગીરી કરવામાં આવી હતી. લાંબા સમયથી મંદિરની મર્યાદા જળવાતી ન હોવાની ફરિયાદ સાથે કાર્યકરોએ બુલડોઝર ફેરવીને મંદિરની દીવાલને અડીને આવેલા શૌચાલયને જમીનદોસ્ત કરી દીધું હતું. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.
બજરંગ દળના કાર્યકરે મંદિર પાસેના શૌચાલય પર બુલડોઝર ફેરવવા અંગે મુખ્યત્વે આસ્થા અને સ્વચ્છતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેણે દાવો હતો કે હનુમાનજીના મંદિરની દીવાલને અડીને જ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. આ શૌચાલયનું ગંદુ પાણી મંદિરના પટાંગણમાં જતું હોવાથી ભક્તોની લાગણી દુભાઈ રહી હતી.
બજરંગ દળના સભ્યોએ જણાવ્યું હતું કે આ બાબતે સ્થાનિક તંત્ર અને કોર્પોરેશનને અગાઉ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેતા અંતે સંગઠને જાતે જ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક કાર્યકર આક્રમક અંદાજમાં કહી રહ્યો છે કે, જો હનુમાન દાદા સૂરજને ગળી શકતા હોય, તો આ શૌચાલય શું ચીજ છે? તમે જોઈ શકો છો કે અમારા દાદાનું અપમાન થઈ રહ્યું છે. હિન્દુસ્તાનમાં અમે અમારા દેવી-દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ.
આ તોડફોડ બાદ કાર્યકરોએ માત્ર તંત્ર જ નહીં, પણ રાજકીય પક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે, જે લોકો રામના નામે વોટ લે છે તેઓ પણ આ મામલે મૌન રહ્યા. અમને આ કામ માટે સજા થાય તો પણ મંજૂર છે," તેમ કહીને કાર્યકરોએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે હવે જોઈએ છીએ કે અમને કોણ સજા કરે છે - જે રામ ના નામે વોટ લે છે તે? કે પછી જેણે રામ મંદિર રોકવા માટે વકીલો રોક્યા હતા તે?
સામાન્ય રીતે કોઈ પણ અતિક્રમણ કે ગેરકાયદે બાંધકામ હટાવવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. કાયદાકીય રીતે કોઈ સંગઠન આ રીતે જાહેર કે ખાનગી મિલકત તોડી શકે નહીં. જોકે, આ કિસ્સામાં હજુ સુધી કોર્પોરેશન કે પોલીસ તંત્ર દ્વારા આ બાંધકામ ગેરકાયદે હતું કે કેમ તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.