Sun Sep 13 2026

Logo

અષાઢી બીજની રથયાત્રા પહેલા અમદાવાદ મનપાએ જોખમી ઈમારતોના માલિકોને નોટિસ ફટકારી

2026-05-12 20:00:24
Author: Pooja Shah
અષાઢી બીજની રથયાત્રા પહેલા અમદાવાદ મનપાએ જોખમી ઈમારતોના માલિકોને નોટિસ ફટકારી

અમદાવાદઃ અમદાવાદની જગપ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે 16 જુલાઈના રોજ યોજાનારી છે. રથયાત્રાની તૈયારીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા (મનપા) વિવિધ કામ હાથ ધરે છે, જેમાં રથયાત્રાના રૂટમાં આવતા જોખમી મકાનોના માલિકોને નોટિસ આપવાનું કામ પણ મહત્વનું છે. વરસાદ પહેલા જ સલામતીના ભાગરૂપે મનપાએ લગભગ 274 જોખમી ઈમારતોના માલિકોને નોટિસ પાઠવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ ઝોનમાં આ ઈમારતો આવેલી છે જેમાં રહેણાંક મકાનો સાથે અન્ય ટ્રસ્ટની ઈમારતોનો પણ સમાવેશ થાય છે. રથયાત્રાના રૂટમાં ખાસ કરીને જે સાંકડી ગલીઓમાં આવી જૂની ઈમારતો આવેલી હોય છે, તેનાથી સલામતી જોખમાવાની પૂરી સંભાવના છે.

આ ઈમારતોના માલિકોને જોખમી ભાગ ઉતારી લેવાની તાકીદ નોટિસમાં કરવામાં આવી હતી. મનપાએ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ જર્જરિત ઇમારત ધસી પડવાને કારણે જાન-માલનું નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકતના માલિકની રહેશે.