Thu Sep 03 2026

Logo

શતાબ્દી એકસ્પ્રેસનું એસી બંધ પડી જતા વડોદરા સ્ટેશન પર રોકવી પડી

2026-05-07 16:59:17
Author: Pooja Shah
શતાબ્દી એકસ્પ્રેસનું એસી બંધ પડી જતા વડોદરા સ્ટેશન પર રોકવી પડી

અમદાવાદઃ ભારે ગરમી વચ્ચે રેલવેના બંધ એર કન્ડિશન્ડ કૉચમાં જો ઠંડક ન રહે તો મુસાફરો માટે અકડાવનારું વાતાવરણ બની જાય છે. આવી જ ઘટના ગુજરાતમાં બની હતી. અહીં પશ્ચિમ રેલવેની અમદાવાદથી મુંબઈ દોડતી શતાબ્દી એકસ્પ્રેસનું એસી ફેલ થતા વડોદરા સ્ટેશન પર ટ્રેનને રોકવી પડી હતી. 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શતાબ્દી એક્સપ્રેસનું વડોદરા સ્ટેશન પર બુધવાર સાંજે એસી ફેઈલ થતાં ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેથી ટ્રેનને થોડા સમય માટે રોકવી પડી હતી. શતાબ્દી એક્સપ્રેસના કોચ (12010) સી-1 માં તહેનાત ટીટીઈ ઓપી શર્માએ સૂચના આપી હતી કે કોચમાં એસી કામ કરી રહ્યું નથી અને મુસાફરોએ ફરિયાદો કરી છે. જાણકારી અનુસાર, અમદાવાદમાં મૂળ સી-1 કોચને સિક જાહેર કરી હટાવી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ જે નવો કોચ લગાવવામાં આવ્યો તેમાં પણ એસી શરૂઆતથી જ કામ કરી રહ્યું નહોતું.

આરએસી કંટ્રોલ, મુંબઈ સેન્ટ્રલના જણાવ્યા અનુસાર, કોચને મિકેનિકલ સમસ્યાને કારણે બદલવામાં આવ્યો હતો. વિરોધના કારણે ટ્રેન વડોદરાથી સાંજે 5:27 વાગ્યે રવાના થઈ શકી હતી.
ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચી ત્યારે વિશેષ કોચની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કોચમાં 70 મુસાફરોને બેસાડીને ટ્રેનને 7:14 વાગ્યે રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનમાં મુસાફરોને માર્ગદર્શન આપવા, જાહેરાત કરવા અને સામાન શિફ્ટ કરવા માટે 30 લાઇસન્સ ધરાવતા સહાયકોની મદદ લેવામાં આવી હતી.ઘટના દરમિયાન એક વર્ષની બાળકી, જે પહેલા સી-8 કોચમાં સંબંધીઓ પાસે હતી, તેને તેની માતા સુધી પહોંચાડવામાં પણ વધારાનો સમય લાગ્યો હતો.