Fri Sep 04 2026

Logo

અમદાવાદમાં વધુ એક તળાવ પર ડિમોલિશન, 160 મકાનો તોડીને ખુલ્લી કરાશે 26 હજાર ચોરસ મીટર જગ્યા

2026-06-12 13:43:00
Author: Mumbai Samachar Team
અમદાવાદમાં વધુ એક તળાવ પર ડિમોલિશન, 160 મકાનો તોડીને ખુલ્લી કરાશે 26 હજાર ચોરસ મીટર જગ્યા

અમદાવાદઃ શહેરમાં વધુ એક ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું.ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આંબા તળાવ આસપાસ 160થી વધારે નાના મોટા કાચા-પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી વસવાટ કરતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.

જોકે સૂચના છતાં સ્વેચ્છાએ જગ્યા ખાલી નહીં કરતાં કોર્પોરેશન આજે દબાણો તોડવાની કામગીરી શરૂ કરી હતી. તંત્ર દ્વારા તમામ દબાણો હટાવીને 26 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ ઘટનાસ્થળે તહેનાત રાખવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ જળાશયોને પુનઃજીવિત કરવા અને તેને ઊંડા કરવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. લાંબા સમયથી વસવાટ કરતા પરિવારો બેઘર ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવતાવાદી અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે. ડિમોલિશનને કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે તાત્કાલિક ધોરણે નજીકના રેન બસેરામાં રહેવા-જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જે નાગરિકો પાસે ત્યાં વર્ષોથી વસવાટ કરતા હોવાના જરૂરી સરકારી પુરાવા અને દસ્તાવેજો ઉપલબ્ધ હશે, તેમની પાસેથી કોર્પોરેશન દ્વારા નિયત ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ લાયક પરિવારોને સરકારી યોજના હેઠળ વૈકલ્પિક મકાનોની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે, જેની શરૂઆત ચંડોળા તળાવથી થઈ હતી. જે બાદ શહેરમાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત સરદારનગરના કમલ તળાવના કિનારે વર્ષોથી વસવાટ કરતા લોકોના કાચા અને પાકા મકાનો એક પછી એક જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત અમદાવાદના ત્રીજા નંબરના સૌથી મોટા તળાવ ઈસનપુર તળાવની આસપાસ પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું.