Fri Sep 04 2026

Logo

અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં વિરોધ બાદ મોકૂફ રહેલા આંતરધર્મીય લગ્ન અંતે સંપન્ન

2026-05-09 22:02:23
Author: Devayat Khatana
અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં વિરોધ બાદ મોકૂફ રહેલા આંતરધર્મીય લગ્ન અંતે સંપન્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ બે દિવસ પહેલા અમદાવાદની ઘીકાંટા મેટ્રો કોર્ટમાં વિરોધ વચ્ચે મોકૂફ રાખવામાં આવેલી આંતરધર્મીય લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શુક્રવારે પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાતના હાઈકોર્ટના આદેશ બાદ બંનેના લગ્ન સંપન્ન થયા હતા. મહેસાણા જિલ્લામાં 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતી લિવઈનમાં રહેતા હતા અને બંનેએ જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ઉહાપોહ મચ્યો હતો. ત્યારે હવે કોર્ટે દંપતીની સુરક્ષા જાળવવાની પોલીસને તાકીદ કરી હતી. 

થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટના હુકમના પગલે જ્યારે યુવક-યુવતી લગ્ન નોંધણી માટે કોર્ટ પહોંચવાના હતા, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટના પરિસરમાં ઉમટી પડ્યા હતા અને 'જય શ્રીરામ'ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ પરિસ્થિતિની ગંભીરતાને જોતા કોર્ટના સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ વિવાદ વચ્ચે લગ્ન રજિસ્ટ્રાર સૈયદ પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, આ કેસની હિન્દુ યુવતી છેલ્લા બે મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં હતી, જો કે હવે તેને પતિ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.