Sun Apr 26 2026

Logo

અમદાવાદને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડતો છ લેનનો હાઈ વે બનશે

2026-04-26 18:00:47
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ દિલ્હી-મુંબઈ વચ્ચે સડસડાટ જઈ શકાય તેવો એકસપ્રેસ વે લગભગ તૈયાર છે ત્યારે હવે અમદાવાદથી ગોધરાને જોડતો અને એક છ લેનનો ગ્રીનફિલ્ડ હાઈ વે બનાવવા માટે ડીપીઆર તૈયાર થશે. આ હાઈ વે બનતા અમદાવાદથી દિલ્હી વચ્ચે સીધી કનેક્ટિવિટી વાહનચાલકોને મળશે. 

મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) એ અમદાવાદથી ગોધરા સુધીના નવા છ લેનવાળા ગ્રીનફિલ્ડ હાઇવેને ડેવલપ કરવા માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા માટે પ્રપોઝલ મંગાવ્યા છે. 

આશરે ૧૨૦ કિમીની લંબાઈ ધરાવતો આ મુખ્ય પ્રોજેક્ટ અમદાવાદ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (ડીએમઈ) વચ્ચે સીધી કનેક્ટિવિટીનો વિકલ્પ પૂરો પાડશે. હાલમાં વાહનચાલકોએ ગોધરા બાજુથી મુસાફરી કરતા લોકોને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ સુધી જવું પડે છે અને પછી અમદાવાદ પહોંચવા માટે એનઈ-1 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવેનો ઉપયોગ કરવો પડે છે.

સરકાર કન્સલ્ટન્સી દ્વારા એક ડિટેલ્ડ પ્લાન તૈયાર કરવા માગે છે, જેમાં વિગતવાર હાઇવે ડિઝાઇન, પેવમેન્ટ ડિઝાઇન અને પુલ, ગ્રેડ-સેપરેટેડ ઇન્ટરસેપ્શન અને સર્વિસ રોડ જેવા મુખ્ય માળખાઓની ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોવાથી, કન્સલ્ટન્ટને જમીન સંપાદન અને પર્યાવરણ પર થતી અસરને ધ્યાનમાં લેતા, હાલના રૂટ સાથેના નાણાકીય મામલાઓની સરખામણીનો પણ સમાવેશ કરવો પડશે. 

આ હાઇ વે 60 થી 70 મીટરના રાઇટ ઓફ વે (આરઓડબલ્યુ) સાથે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં ટ્રાફિકની માંગને પહોંચી વળવા માટે આઠ-લેનનો બનાવી શકાય તેવી રીતે ડિઝાઈન કરવામાં આવશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.