(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા હજારો નાગરિકો માટે પરિવહન વધુ સુગમ બન્યું છે. તાજેતરમાં અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેટ્રો નેટવર્કનું મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં હવે ગાંધીનગર રેલવે સ્ટેશન, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના સ્થળો સુધીની સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ બની હતી.
મેટ્રો સેવાના લોકપ્રિયતાના આંકડા જોઈએ તો, ઓક્ટોબર 2022 થી ડિસેમ્બર 2025 દરમિયાન 11.50 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં સફર કરી હતી. વર્ષ 2023માં માસિક સરેરાશ 12 થી 27 લાખ મુસાફરો નોંધાયા હતા, જે સંખ્યા વર્ષ 2025માં વધીને પ્રતિ માસ 44 લાખ સુધી પહોંચી ગઈ હતી.
ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આઈપીએલ મેચો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ અને જાન્યુઆરી 2025માં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ જેવા મોટા કાર્યક્રમો દરમિયાન મેટ્રોએ તેની ક્ષમતા પૂરવાર કરી છે. કોલ્ડપ્લે કોન્સર્ટના માત્ર બે દિવસમાં જ 4.11 લાખ લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. મેટ્રો ફેઝ-2 પૂર્ણ થવાની સાથે હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન હસ્તકનું નેટવર્ક 68 કિમી લાંબુ થયું હતું, જે 53 સ્ટેશનોને આવરી લે છે. આ વિસ્તરણને કારણે ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.