અમદાવાદઃ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો. રવિવારે મોડી રાત્રે અમદાવાદમાં અચાનક ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ વરસ્યો હતો. આ બગડી ગયેલા વાતાવરણને કારણે હવાઈસેવાઓને ભારે અસર થઈ હતી. આને કારણે ઓછામાં ઓછી સાત ઇનબાઉન્ડ ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે સુરત એરપોર્ટ પર ભારે હવાઈ ટ્રાફિક જોવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને સલામતીના કારણોસર બેંગલુરુ-અમદાવાદ, હૈદરાબાદ-અમદાવાદ, પુણે-અમદાવાદ, મુંબઈ-અમદાવાદ, પટના-અમદાવાદ અને ભુવનેશ્વર-અમદાવાદ રૂટ પર ચાલતી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.
અચાનક વિમાનોના ધસારાને કારણે સુરત એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો, મોડી રાત સુધી એક પછી એક વિમાનો આવતા રહ્યા હતા, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. એરપોર્ટ સત્તાવાળાઓ, એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ ટીમોએ વધારાની કામગીરીનું સંચાલન કરવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી.
અધિકારીઓએ સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું કારણ કે એક સાથે અનેક વિમાનોને પાર્ક કરવા અને સર્વિસ કરવાની જરૂર હતી. અમદાવાદમાં હવામાનમાં સુધારો થયા પછી ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે સામાન્ય થઈ ગઈ હતી.
દરમિયાન સૂત્રોએ આપેલી માહિતી અનુસાર એર ઇન્ડિયા એક્સપ્રેસ 3 જૂનથી સુરત અને દુબઈ વચ્ચે તેની સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરશે, જે પશ્ચિમ એશિયામાં શરૂ થયેલી અશાંતિને કારણે સ્થગિત કરાવામાં આવી હતી. એરલાઇન આ સેવા અઠવાડિયામાં ત્રણ વખત, બુધવાર, શુક્રવાર અને રવિવારે ચલાવશે.