Thu Sep 03 2026

Logo

ડાકોરના મેળાને પગલે અમદાવાદના જશોદાનગરથી હાથીજણ રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી: જાહેરનામું પ્રસિદ્ધ

2026-03-01 19:46:00
Author: Devayat Khatana
ડાકોરના મેળાને પગલે અમદાવાદના જશોદાનગરથી હાથીજણ રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી: જાહેરનામું પ્રસિદ્ધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ડાકોર ખાતે  યોજાનારા ફાગણ સુદ પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હોળીના તહેવાર દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ જશોદાનગરથી હાથીજણ રિંગ રોડ થઈને ડાકોર પગપાળા જતા હોય  આ પદયાત્રીઓની સુરક્ષા જાળવવા અને માર્ગ અકસ્માતો નિવારવા માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી નિર્દિષ્ટ માર્ગો પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જાહેરનામા મુજબ, જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા (લાલગેબી સર્કલ) સુધીનો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત, રામોલ ચાર રસ્તાથી વટવા નવા રેલવે બ્રિજ સુધીનો માર્ગ તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે. જશોદાનગર ઓવરબ્રિજના છેડે ગોરના કુવા તરફથી પારસી ડુંગરવાડી ઉતરતા સુધીના માર્ગ પર પણ વાહનોની અવર-જવર પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જે માર્ગો બંધ છે ત્યાંથી પસાર થતા ભારે વાહનો રિંગ રોડ પર બંને તરફ ડાયવર્ટ થઈ એક્સપ્રેસ હાઈવે તથા નારોલ સર્કલ તરફ જઈ શકશે. જોકે, આ પ્રતિબંધમાંથી ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો અને પદયાત્રીઓ માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ લઈ જતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું તા. ૨૭/૦૨/૨૦૨૬ થી તા. ૦૪/૦૩/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.