Sat Sep 12 2026

Logo

વીમા અધિકારી બનીને નિવૃત વેપારી સાથે ખેલ: પેન્શન અને IPO ની લાલચમાં રૂ.19 લાખ ગુમાવ્યા!

2026-03-14 17:12:00
Author: Devayat Khatana
વીમા અધિકારી બનીને નિવૃત વેપારી સાથે ખેલ: પેન્શન અને IPO ની લાલચમાં રૂ.19 લાખ ગુમાવ્યા!

અમદાવાદ: સાયબર ગઠિયાઓ હવે ધીમે ધીમે પોતાની જાળમાં ફસાવા માટે નિતનવા પેંતરા અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગઠિયાઓએ તેની ઓળખ લાઈફ ઇન્સ્યોરન્સના અધિકારીહોવાની આપીને પેન્શન અપાવવાની લાલચ આપીને 19 લાખનો ચૂનો લગાવી દીધો હતો. હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગતો અનુસાર, અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય નિવૃત વેપારી ભોગીલાલ કિશોરદાસ પટેલ સાથે રૂ. ૧૯,૦૫,૪૦૦ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એપ્રિલ ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન પંકજ શર્મા, સીતારામ શર્મા અને મનિષ નામના વ્યક્તિઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાની ઓળખ HDFC લાઈફ ઇન્સ્યોરન્સના અધિકારીઓ તરીકે આપી હતી. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમની અનક્લેમ્ડ વીમાની રકમ અપાવવાની અને IPO માં રોકાણ કરાવી માસિક પેન્શન અપાવવાની લાલચ આપી હતી.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેમને રૂ. ૨૫ લાખની વીમાની રકમ અપાવવાનું કહી શરૂઆતમાં ૧૦ ટકા રકમ ભરવા જણાવ્યું હતું. ત્યારબાદ IPO માં રોકાણના નામે અને દર મહિને રૂ. ૧૩,૦૦૦ પેન્શન આપવાની ખાતરી આપીને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૨૦,૦૯,૪૦૦ ભરાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને આઠ મહિના સુધી પેન્શન પેટે કુલ રૂ. ૧,૦૪,૦૦૦ પરત આપીને તેમનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ બાકીની મોટી રકમ પરત ન કરી ફોન બંધ કરી દીધા હતા.

આ ઘટના અંગે ભોગીલાલ પટેલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રોજ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨) અને ૬૧(૨) તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી હતી.