Sat Apr 18 2026

Logo

નેપાળ-બાંગ્લાદેશ સુધી ફેલાયેલું છે મોબાઈલ ચોરીનું સામ્રાજ્ય: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 300 ફોન શોધી કાઢ્યા

2026-04-08 11:33:00
Author: MayurKumar Patel
Article Image

AI Image


 

અમદાવાદઃ શહેરમાંથી ફોન ચોરીની ઘટના દરરોજ સામે આવે છે. ચોરાયેલા ફોન અંગે કેટલાક લોકો ફરિયાદ કરે છે, પરંતુ કેટલાક કિસ્સામાં પોલીસ કામગીરીથી કેટલાક લોકો દૂર રહે છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરાયેલા ફોન ટ્રેસ કર્યા હતા. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે મુજબ ચોરાયેલા મોટાભાગના ફોન નેપાળ અને બાંગ્લાદેશ જાય છે. આવા ચોરાયેલા 300 ફોન શોધીને તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 10 દિવસમાં અંદાજે 300 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે અને તે તેમના માલિકોને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.  જોકે, ચોરીનું એક વિશાળ અને સંગઠિત નેટવર્ક હજુ પણ તપાસનીશ સંસ્થાઓની પકડથી દૂર રહીને મોટાભાગના ચોરાયેલા હેન્ડસેટ સગેવગે કરી રહ્યું છે. 

સૂત્રોનું કહેવું છે કે ખોવાયેલા ફોન ડિજિટલ ટ્રેકિંગ દ્વારા અવારનવાર મળી જાય છે, પરંતુ પ્રોફેશનલ રીતે ચોરાયેલા કે ઝૂંટવાયેલા ફોન ગણતરીના દિવસોમાં જ સરહદ પારના બ્લેક માર્કેટમાં ગાયબ થઈ જાય છે. ઘણા ફોન આંતરરાજ્ય કેરિયર્સ દ્વારા નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ પહોંચાડવામાં આવે છે, જ્યાં તેને અનલોક કરીને ફરીથી વેચવામાં આવે છે.

સૂત્રો મુજબ, ચોરી બાદ હેન્ડસેટ ઝડપથી અલગ-અલગ હાથોમાં પસાર થાય છે. જ્યાં સુધીમાં ફરિયાદ નોંધાય, ત્યાં સુધીમાં તો તે રાજ્ય કે દેશની બહાર પણ પહોંચી ગયો હોય છે. તસ્કરો શહેરોમાંથી ચોરાયેલા ફોન એકઠા કરે છે, તેમને સરહદી રાજ્યોમાં લઈ જાય છે અને ખુલ્લી સરહદો પાસેના અનૌપચારિક કુરિયર નેટવર્ક દ્વારા બહાર મોકલી દે છે. એકવાર સરહદ પાર થઈ ગયા પછી, તેના સોફ્ટવેર લોક બદલી નાખવામાં આવે છે, શક્ય હોય ત્યાં IMEI ટ્રેલ છુપાવવામાં આવે છે અને ઉપકરણો ઓછા ભાવે વેચવામાં આવે છે.

આંકડા મુજબ અમદાવાદ શહેરમાં દર મહિને લગભગ 1000 ફોન ચોરાયા અથવા ખોવાયા હોવાની ફરિયાદ થાય છે. તપાસકર્તાઓએ મોબાઈલ રિપેરિંગ માર્કેટમાં સ્થાનિક કનેક્શન હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. કેટલીક ગેંગ ચોરાયેલા ફોન નાના રિપેરિંગ સંચાલકોને નજીવા ભાવે વેચે છે, જેઓ તેના ભાગો છૂટા પાડીને સ્ક્રીન, સ્પીકર અને કેમેરા જેવા ઓરિજિનલ પાર્ટ્સનો અન્ય ઉપકરણોમાં ઉપયોગ કરે છે. અસલી પાર્ટ્સની શોધમાં આવતા ગ્રાહકો અજાણતામાં જ ચોરાયેલા ફોનના સ્પેરપાર્ટ્સ મેળવે છે. આને રોકવા માટે, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ડિકોય કસ્ટમર્સ નો ઉપયોગ કરી દરોડા પાડવાનું આયોજન કરી રહી છે.

પોલીસે નાગરિકોને સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર દ્વારા તાત્કાલિક ચોરીની જાણ કરવા વિનંતી કરી છે. ફરિયાદ અથવા e-FIR દાખલ કર્યા પછી, વપરાશકર્તાઓ પોર્ટલ પર ઉપકરણ અને IMEI વિગતો સબમિટ કરી શકે છે. નેટવર્ક થોડા કલાકોમાં જ હેન્ડસેટને બ્લોક કરી શકે છે, જેથી તે ભારતીય ટેલિકોમ સિસ્ટમ પર નકામું બની જાય છે અને રિકવરીની તકો વધે છે.