Sun Sep 13 2026

Logo

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચોરીની લક્ઝુરિયસ કાર સાથે મુંબઈના શખસની ધરપકડ કરી

2026-05-22 13:43:00
Author: Mayur Patel
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચોરીની લક્ઝુરિયસ કાર સાથે મુંબઈના શખસની ધરપકડ કરી

અમદાવાદ: શહેરમાં થોડા દિવસોથી કાર ચોરીના કિસ્સા વધ્યા હતા. જેને લઈ પેટ્રોલિંગ સઘન બનાવાયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની લકઝુરિયસ કાર સાથે મુંબઈના શખસની ધરપકડ કરી હતી.

મોહમ્મદ આરિફ હબીબ સરવૈયા (ઉ.વ.52) નામનો આરોપી મોડી રાતે મર્સિડીઝ-બેન્ઝ  કાર લઈને શહેરમાં ફરી રહ્યો હતો, ત્યારે નારોલ-શાહવાડી જંકશન નજીક કાશી વિશ્વનાથ મંદિર રોડ પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સરવૈયા મૂળ અમરેલી જિલ્લાના બગસરા ગામનો વતની છે અને હાલ રાધાબાઈ હોસ્પિટલની સામે, તારવાલા કમ્પાઉન્ડ, એસ.વી.એસ. રોડ, માહિમ વેસ્ટ, મુંબઈ ખાતે રહે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેમને નારોલ વિસ્તારમાં એક શંકાસ્પદ લક્ઝુરિયસ કાર ફરી રહી હોવાની બાતમી મળી હતી. આ ગુપ્ત માહિતીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને કારને આંતરી લીધી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે આ લક્ઝરી કારની ચોરી અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. આ ચોરીના કિસ્સામાં એક રસપ્રદ વળાંક એ સામે આવ્યો છે કે, ફરિયાદી પ્રશાંત નાયરે કથિત રીતે આ મર્સિડીઝ ચેલોન અબ્દુલ અઝીઝ નામના વ્યક્તિ પાસેથી ખરીદી હતી, જેમનું તાજેતરમાં જ અવસાન થયું હતું. આરોપી સરવૈયા ચેલોનનો સંબંધી થતો હતો તેથી તેને એવું લાગ્યું કે જો તે આ કાર ચોરીને મુંબઈ લઈ જશે, તો કોઈ તેના પર માલિકીનો દાવો નહીં કરી શકે. કાર હજુ પણ ચેલોનના નામે જ રજિસ્ટર્ડ હોવાથી તે કાર ચોરીનું કાવતરું ઘડ્યું હતું.