Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટણી જીતવા મઝાર પર પહોંચ્યા, શું રાખી બાધા ? વીડિયો વાયરલ

2026-04-27 10:43:00
Author: Vimal Prajapati
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટણી જીતવા મઝાર પર પહોંચ્યા, શું રાખી બાધા ? વીડિયો વાયરલ

અમદાવાદઃ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીઓ અલગ અલગ રીત અપનાવતા જોવા મળે છે. ભાજપ હોય, ‘આપ’ હોય કે, કોંગ્રેસ દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર કરતી હોય છે. તેવામાં કોંગ્રેસનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વારયલ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા માટે ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શૈલેષ પરમાર દાણીલીમડા વિસ્તારમાં એક મઝાર પર પ્રાર્થના કરતા જોવા મળ્યાં છે. 

મઝાર પર જઈ કોંગ્રેસના ધારાસભ્યે બાધા રાખી!

વીડિયોમાં પરમાર કોંગ્રેસના અન્ય ઉમેદવારો અને કાર્યકરોની હાજરીમાં મઝાર પર જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યે એક માનતા પણ રાખી હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્ય શૈલેષ પરમારે માનતા રાખી છે કે, જો આખી પેનલ જીતશે તો તેઓ ફરી આ મઝાર પર આવીને ચાદર ચઢાવશે. જો પેનલ તૂટશે તો અમારૂ દિલ તૂટી જશે તો આખી પેનલ જીવતી જોઈએ. તો તેઓ અહીં ફરી આવશે. એટલું નહીં પરંતુ કોંગ્રેસ ધારાસભ્યે કહ્યું કે, તેઓ વારંવાર આ મઝાર પર આવતા રહે છે. 

મોહસીન બાવા મઝાર દરગાહે પહોંચ્યા કોંગ્રેસ ધારાસભ્ય

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ વીડિયો દાણીલીમડા વિસ્તારમાં આવેલા મોહસીન બાવા મઝાર દરગાહનો છે. આ વીડિયોએ રાજકીય ચર્ચા જગાવી છે, અને ટ્વિટર પર તેને "ધાર્મિક રાજકારણ" નું ટેગ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અહીં મુસ્લિમ વસ્તી વધુ પ્રમાણમાં હોવાથી શૈલેષ પરમાર દાણીલીમડા બેઠક પરથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. આ વખતે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કરવા માટે ફરતા જોવા મળ્યાં હતાં. 

કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે શું કહ્યું?

વાયરલ થયેલા વીડિયોમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર કહી રહ્યાં છે કે તેમનો પરિવાર ઘણાં સમયથી અહીં આવે છે. તેમણે કહ્યું કે આ મઝારની મુલાકાત લેવાની પરંપરા તેમના પિતાના સમયથી ચાલી આવે છે. તેમના પિતાએ 20 વર્ષથી આ મઝારે આવતા રહ્યાં છે, અને તેઓ પોતે છેલ્લા 25 વર્ષથી અહીં આવી રહ્યા છે. એટલે કે આ મઝાર સાથે તેમના પરિવારનો સંબંધ ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે.