Fri May 29 2026

Logo

સસ્તો કોલસો લેવાની લાલચમાં વેપારીએ ગુમાવ્યા 64 લાખ, કંડલાના બ્રોકરે એવું કાવતરૂ ઘડ્યું કે ભલભલા ભોળવાય જાય

2026-05-29 12:55:00
Author: mumbai samachar team
Article Image

અમદાવાદઃ અમદાવાદમાં કોલસા ટ્રેડિંગના નામે એક વેપારી સાથે છેત્તરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સસ્તા ભાવે લાલચ આપીને કંડલાના સહિત પાંચ જુદી-જુદી કંપનીના માલિકે બોડકદેવના વેપારી પાસેથી 64.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી માલ વેપારી સુધી પહોંચ્યો નહીં એટલે સમગ્ર છેત્તરપિંડી સામે આવી હતી.  આરોપીએ ફેક બિલ અને ઈ-વે બિલ બનાવીને છેત્તરપિંડી કરી હોવાની જાણકારી વેપારીને મળી હતી. 

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ સમગ્ર કેસમાં વેપારીએ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને કંડલા સુધી તપાસ લંબાવી છે. કિશન અંબાવી નામના કેમિકલના વેપારી કોલસા ટ્રેડિંગ સાથે જોડાયેલા છે. વર્ષ 2022માં એમની મુલાકાત કંડલાના રાજ ઐયાયી સાથે થઈ હતી. બન્ને વચ્ચે વેપારને લઈને વાતચીત થઈ હતી. આ પછી રાજે પોતાની સાથે રહેલા કોલસાના એક્સપર્ટ તરીકે ઓળખ આપીને કિશનભાઈ સાથે મુલાકાત કરાવી હતી. કિશને સસ્તા ભાવે કોલસો આપવાની વાત કરી. ડિસેમ્બર 2022થી જુલાઈ 2025 દરમિયાન બ્રોકર રાજે અન્ય કંપની સાથે મળીને વેપારીને ખંખેરવાની યોજના બનાવી દીધી. આ પછી કુલ 64,30,968 રૂપિયાની છેત્તરપિંડી આચરી હતી. 

કોલસો ન પહોંચ્યો પણ પૈસા પડાવી લીધા
શરૂઆતમાં રાજે બ્રોકર તરીકે રહીને સાથી પ્રતિક બોથરા પાસેથી કોલસા લેવાની વાત કરીને વેપારી પાસેથી લાખો રૂપિયા ખાતામાં ટ્રાંસફર કરાવ્યા હતા. હજુ 7 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી છે. સામે બી. કે. ડી મિનરલ્સ કંપની પાસેથી કમિશનના  રૂ.1,54,744 લેવાના નીકળતા હતા, જે વેપારીને આજ દિવસ સુધી મળ્યા નથી.  બ્રોકર રાજે ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવવાના બહાને વેપારીને માત્ર વાતો કરીને માલ પહોંચ્યો નહીં. કંપનીના માલિક શક્તિસિંહના બેન્ક ખાતામાં 31,50,000 રૂપિયા જમા કરાવડાવ્યા હતા. વેપારીએ અન્ય કોઈ ફાયનાન્સની મદદથી રકમ ચૂકવી હતી પણ કોઈ માલ મળ્યો નહોતો. ટુકડે ટુકડે પૈસા વેપારી પાસેથી પડાવીને છેત્તરપિંડી આચરી હતી. 

ખોટા બિલ પર પૈસા ખંખેર્યા
આઇ એનર્જી નેચરલ રીસોર્સીસ લી. કંપનીના માલિક વાસુદેવ પમનાણીને 2,70,000 રૂપિયા ચૂકવાયા હતા, વેપારી સુધી માલ કોઈકાળે પહોંચ્યો ન હતો. ફરિયાદીના બદલે બારોબાર અન્ય કોઈને મોકલી દીધો હતો. કંપનીના નામના ફેક સર્વિસ બિલો બનાવી દીધા હતા જે વેપારીને મનાવવા માટે મોકલી દેવામાં આવ્યા હતા.  હજુ 2,16,224 રૂપિયા લેવાના બાકી છે. નવેમ્બર 2024માં કંપનીના માલિક ભક્તિબહેન ચાઉ પાસેથી માલ ખરીદવાના બહાને ફરીથી 13,80,000 રૂપિયા બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા, જેનો કોઈ માલ મળ્યો નહીં પરંતુ ફેક ઈ-વે બિલ જનરેટ કરી દેવાયા. આમ પાંચેય આરોપીએ સાથે મળીને વેપારીને માલ મોકલ્યા વગર જ કાગળ પર ખોટા બિલ તૈયાર કરીને પૈસા ખંખેરી લીધા હતા.